જીવંત પરંપરા : દ.ગુજરાતના આદિવાસીઓનું 200 વર્ષ પરંપરાગત નૃત્ય એટલે ઘેરૈયા નૃત્ય
Live TV
-
ઘેરૈયા મંડળીમાં માત્ર પુરુષો જ હોય છે. જેઓ ઘરના આંગણે આવીને ગરબા રમે છે
ભાવિન પટેલ , નવસારી : દક્ષિણ ગુજરાત સહિત આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓનું 200 વર્ષ જુનું અને પરંપરાગત 'ઘેર નૃત્ય' એટલે ઘેરૈયા નૃત્ય. જોકે ઘેરૈયા ગરબા હવે લુપ્ત થઇ રહયા છે. આદિવાસી સમાજોમાં પણ મર્યાદિત થઇ ગયું છે. જોકે, ઘેરૈયાની પરંપરા જીવંત રાખવા કેટલાક આદિવાસી લોકો મંડળી બનાવીને આ નૃત્ય ને જીવંત રાખવાના પ્રયાસ કરી રહયા છે. ગામડા અને શહેરી વિસ્તારોમાં આ ઘેરૈયા મંડળીને ખાસ નવરાત્રી દરમિયાન આમંત્રણ આપીને બોલાવાય છે.સાથે જ આ પરંપરાને જાળવી રાખવામાં સોમનાથ મહાદેવ મંદીર બિલિમૉરા નો મોટો ફાળો છે..ટ્રસ્ટ દ્વારા લાભ પાંચમના દિને છેલ્લા 30 વર્ષથી ઘેરૈયા હરીફાઈનું આયોજન થાય છે.
ઘેરૈયા મંડળીમાં માત્ર પુરુષો જ હોય છે. જેઓ ઘરના આંગણે આવીને ગરબા રમે છે. જેનાથી આખુ વર્ષ સુખમય નીવડે છે તેવી માન્યતા છે. ઘેરૈયા સંતોષભાઇ કહે છે કે, અમે અમારી સંસ્કૃતિને લુપ્ત થતી બચાવવા આ પ્રયાસ કરી રહયા છીએ. આરાધના પર્વ નવરાત્રીથી દેવદિવાળી સુધીનો સમય અમારા આદિવાસી સમાજ માટે માતાજીને રિઝવવાનો શ્રેષ્ઠ અવસર મનાય છે. છેલ્લા કેટલાક સમયથી બદલાયેલી રહેણીકહેણી અને જીવનપધ્ધતિના કારણે ધેરીયા નૃત્ય ભુલાઈ રહ્યું છે આદિવાસી સમાજની પરંપરાને ટકાવી રાખવા માટે નવસારી જિલ્લાના બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી 30 વર્ષથી લાભ પાંચમના દિવસે સ્પર્ધા યોજવામા આવે છે.પ્રાચીન સંસ્કૃતિ એ સમાજનો પ્રાણ છે, સમાજની ઓળખ છે, ભુલાઈ રહેલી સંસ્કૃતિ અને વારસો અસ્મિતાને ગુમાવી રહ્યા છે ત્યારે સમાજને ઓળખ સમા ધેરીયા નૃત્યને ટકાવી રાખવા માટે સોમનાથ ટ્રસ્ટે સાસ્કૃતિક ધરોહરને બચાવવાની દિશામા પગલુ ભર્યુ છે.
આસો મહિનામાં લોકો ધીમે-ધીમે ખેતીના પાકની કાપણીનું કામ પુર્ણ કરે છે. એટલે પાક ઉતારવાનો આનંદ પણ આદિવાસી ખેડૂતોમાં બેવડાય છે. આ આનંદ અને આરાધનાના સંયોગને આદિવાસી સમાજ દેવ-દેવીઓ સમક્ષ ઘેરનૃત્યના માધ્યમથી વ્યક્ત કરે છે. ઘેરૈયા ટુકડીમાં મહિલાઓ નથી હોતી. પુરુષો જ સ્ત્રીનો વેશ ધારણ કરે છે. ઘેરૈયાનો વેશ અર્ધનારેશ્વર જેવો હોય છે. તેમણે વધુમાં કહયું કે, ઘેરૈયા નૃત્ય માત્ર શક્તિની આરાધના જ નહી કોઇના મૃત્યુ સમયે, બાળક જન્મ સમયે અથવા નાના બાળકને ઘોડીએ ચડાવીને ઘેર ગવડાવવામાં આવે છે.મંડળીના દરેક સભ્યોએ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. જેમાં બ્રહ્મચર્ય પાલન, માસાંહાર ત્યાગ, મંદિરાનું સેવન નહી કરવું. ટુકડીના નાના આદેશોનું પાલન કરવાનું હોય છે. જે બક્ષિસ મળે તે લઇએ છીએ સામેથી ક્યારેય માંગતા નથી. ઘેર છોડવામાં આવે અને જે બક્ષિસ એકત્ર થાય તે ગામમાં દેવસ્થાન માટે અથવા તો ગામના સાર્વજનિક કામ માટે વાપરવામાં આવે છે.ત્યારે પ્રાચીન સંસ્કૃતિ એ સમાજનો પ્રાણ છે, સમાજની ઓળખ છે, ભુલાઈ રહેલી સંસ્કૃતિ અને વારસો અસ્મિતાને ગુમાવી રહ્યા છે ત્યારે સમાજને ઓળખ સમા ધેરીયા નૃત્યને ટકાવી રાખવા માટે સોમનાથ ટ્રસ્ટે સાસ્કૃતિક ધરોહરને બચાવવાની દિશામા પગલુ ભર્યુ છે.
ક્લીક કરો અને જુઓ ઘેરૈયા નૃત્યનો વિડિયો - https://youtu.be/EZsJDmCGq6A
