દિન વિશેષ: આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ
Live TV
-
દર વર્ષે 21 સપ્ટેમ્બરના દિવસને વિશ્વ શાંતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. સમાન અને સ્થિર વિશ્વની પરિકલ્પનાની થીમ સાથે આજે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 1981માં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ અંગેની જાહેરાત કરાઈ ત્યારબાદ 21 સપ્ટેમ્બર 1982 ના રોજ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સદભાવનો સંદેશો ફેલાવવાનો છે. કારણ કે વર્તમાન સમયમાં વિશ્વના મોટાભાગના દેશો શસ્ત્રો પાછળ અબજો રૂપિયા ખર્ચે છે. જો આ જ નાણાનો ઉપયોગ અન્ય ક્ષેત્રોમાં કરવામાં આવે તો મજબૂત અર્થતંત્ર સાથે લોકોના જીવનધોરણમાં પણ સુધારો લાવી શકાય છે.
21 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક યુદ્ધવિરામ દિવસ તરીકે પણ ઉજવાય છે. આજના દિવસે વિશ્વમાં જ્યાં પણ યુદ્ધ ચાલતુ હોય ત્યાં નિ:શસ્ત્રીકરણની અપેક્ષા રાખવામાં આવે છે. આ દિવસે યુદ્ધવિરામ રાખવાનો આશય યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં નિર્દોષોને મદદ પહોંચાડવાનો પણ છે. દુનિયાના મોટા ભાગના દેશો દર વર્ષે શસ્ત્રો પાછળ અબજો રૂપિયાનો ખર્ચ કરે છે. જ્યારે આરોગ્ય અને શિક્ષણ પાછળ ખૂબ જ ઓછી રકમ ખર્ચ થાય છે. આમ, આ દિવસની ઉજવણી પાછળનો એક આશય એ પણ છે કે જો દુનિયાના દરેક દેશ શાંતિ માટે પ્રયત્નો કરે તો આરોગ્ય અને શિક્ષણ જેવી મહત્વની ચીજો પાછળ વધુ નાણાં ફાળવી શકાય. જેને કારણે એક મજબૂત અર્થતંત્રની રચના કરી શકાય અને લોકોના જીવનધોરણમાં પણ સુધારો કરી શકાય. કારણ કે જો દેશનો નાગરિક સ્વસ્થ અને ભણેલો હશે તો જ દેશ સ્વસ્થ અને મજબૂત બની શકશે અને વિકાસ કરી શકશે.
