દિવાળી તહેવારે વિવિધ પ્રકારના કોડિયાઓ બનાવી થાનગઢની મહિલાઓ બની આત્મનિર્ભર
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ માટલા, ગરબા તેમજ દિવડા માટેના કોડીયા સહિતની વિવિધ માટીની ચીજવસ્તુઓ બનાવવા માટે પ્રખ્યાત છે. ત્યારે દિવાળીનો તહેવાર નજદીક આવતો હોવાથી દિવા કરવા માટેના કોડિયાઓની માંગ વધી છે. કોડીયાઓની ભારે માંગ રહેતી હોવાથી કોડીયા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો હાલ કોડિયા બનાવી ઘરે બેઠા રોજગારી મેળવી, આત્મ નિર્ભર બન્યા છે. ત્યારે હાલમાં થાનગઢમાં બનતા વિવિધ પ્રકારના સાદા, ડિઝાઈનવાળા અને કલરફુલ વર્ક કરેલા આકર્ષક કોડિયાઓ બનાવી રહ્યા છે, જેની માંગ ભારે માત્રામાં વધી રહી હોવાથી કોડિયાને કલર કરવા તેમજ વિવિધ પ્રકારની ડીઝાઈનો તૈયાર કરવા સહિતના કામ કરવાથી મહિલાઓને ઘેર બેઠા જ રોજગારી મળી રહે છે.
આ બાબતે થાનગઢમાં કોડિયા બનાવતા નવનીત ભાઈએ જણાવ્યું હતું કે, તેમના યુનિટમાં કોડિયાની આશરે 150 થી પણ વધુ વેરાયટીઓ જોવા મળે છે, જેની કિંમત 50 પૈસાથી લઈને 50 રૂપિયા સુધીની હોય છે. દિવાળી સમયે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં તેમના બનાવેલ કોડિયાઓની ખૂબ જ માંગ રહેતી હોય છે. આ દિવાળીના સમય દરમિયાન દર વર્ષે આશરે આઠથી દસ લાખ નંગનું વેચાણ થતું હોય છે. જે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામીલનાડુ સહિતના અલગ અલગ રાજ્યોમાં આ કોડિયાઓ મોકલવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં કોડિયા બનાવતા કારીગરો સાચા અર્થમાં મેક ઈન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ બન્યા છે.
