દેશનો પ્રથમ કિસ્સો હોવાનો દાવો: કેન્સરગ્રસ્ત બાળકીનું જડબું પગના હાડકામાંથી બનાવ્યું, 9 કલાકની જટીલ સર્જરી બાદ મળી સફળતા
Live TV
-
4 વર્ષના કેન્સર પીડિત બાળકીના જડબાને માઇક્રોવેસ્ક્યુલર સર્જરી દ્વારા પુન:સ્થાપિત કરવામાં આવ્યું હોય તેવો દેશમાં પ્રથમ કિસ્સો હોવાનો દાવો ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI) તબીબો દ્વારા કરાયો છે. દેશ અને વિશ્વમાં દુર્લભ ગણી શકાય તેવી 4 વર્ષના કેન્સરગ્રસ્ત બાળકીનું જડબું પગના હાડકામાંથી બનાવીને તબીબોએ સફળતાપૂર્વક તેની પ્લાસ્ટીક સર્જરી કરી છે.
ભવનાથની તળેટી જૂનાગઢમાં રહેતા ઝેનાબને જડબાના ભાગમા સાર્કોમાં ગાંઠ જોવા મળી હતી. સાર્કોમાં એક પ્રકારની દુર્લભ ગાંઠ છે. તેમાં પણ 4 વર્ષની બાળકીમાં જોવા મળી હોય તેવો આ પ્રથમ કિસ્સો હતો. નાની વયમાં આવી ગંભીર ગાંઠ જણાઇ આવતા પરિવારજનો ચિંતાતુર બન્યા. વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જતા ત્યાના તબીબો પણ આ પ્રકારની ગાંઠ જોઇ સ્તબ્ધ રહી ગયા હતા. તબીબોએ ઝેનાબના પરિવારજનોને આવા ગંભીર પ્રકારની સર્જરી ફક્ત અમદાવાદની સિવિલ મેડિસિટીની જી.સી.આર.આઇ. ઇન્સ્ટીટ્યુટમાં જ શક્ય હોવાનું જણાવી જી.સી.આર.આઇ. મોકલ્યા.
માઇક્રોવેસ્ક્યુલર સર્જરીને કોઠાસુઝ અને પોતાના અનુભવથી સફળતાપૂર્વક પાર પાડનારા પ્લાસ્ટિક સર્જન ડૉ. હેમંત સરૈયા કહે છે કે, ઝેનાબના કિસ્સામાં કેન્સરગ્રસ્ત જડબાનો ભાગ કાઢવામાં ન આવે તો મોઢાના અન્ય ભાગમાં કેન્સર ફેલાવાની શક્યતાઓ પ્રબળ હતી. જે બાળકીના જીવને જોખમ ઉભુ કરે તેમ હતુ. આ પરિસ્થિતિઓ વચ્ચે વધુ પડકારજનક હતુ કાઢેલા જડબાને પુન:સ્થાપિત કરવું. કેન્સરગ્રસ્ત જડબું કાઢીને ફરી વખત બનાવવામાં ન આવે તો બાળકીનો ચહેરો બેડોળ બનાવાની સંભાવના પણ રહેલી હતી. આ સર્જરીમાં તેના દાંત સામ-સામે ન બેસે તો સમગ્ર જીવનકાળ દરમિયાન પ્રવાહી ખોરાક પર રહેવાની ફરજ પડે તેમ હતું. આ તમામ પરિણામો બાળકીના શારીરીક અને માનસિક વિકાસ પર પણ અસર પહોંચાડે.
