દેશમાં પ્રથમ વખત કચ્છનાં કુનરીયા ગામમાં બાલિકા પંચાયતનું આયોજન
Live TV
-
કુનરીયા ગ્રામ પંચાયત દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. કિશોરીઓનાં પ્રશ્નોને વાચા આપવા બાલિકા પંચાયતની સ્થાપના કરવામાં આવી છે. ભારતમાં સૌપ્રથમ વાર આવી બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે. બાલિકા વધુ ટીવી સીરીયલથી પ્રભાવિત થઈને કચ્છનાં જાગૃત ગામ એવા કુનરીયા દ્વારા મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપતા બાલિકા પંચાયત રચવાનું આયોજન કરવામાં આવ્યું. આ બાલિકા પંચાયત 10 વર્ષથી કરીને 21 વર્ષ સુધીની બાલિકા દ્વારા સંચાલિત હશે. 10 વર્ષથી 21 વર્ષની 240 જેટલી કિશોરીઓ અહીં બાલિકા પંચાયતનાં સરપંચને ચૂંટવા મતદાન કરી મહિલા સશક્તિકરણનો પરચો પૂરો પાડ્યો હતો.
કુનરીયા ગ્રામ પંચાયત અને બેટી બચાઓ બેટી પઢાઓ સેલના સંયુક્ત પ્રયાસો દ્વારા કિશોરીઓનાં પ્રશ્નોને વાચા આપવા બાલીકા પંચાયતની સ્થાપના કરવામાં આવી છે. આ પંચાયતનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓ સક્રિય રાજકારણમાં રસ લે અને લોકશાહી પધ્ધતિથી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઇ બહેનોનો અવાજ બને તે છે.
બાલિકા પંચાયત મહિલાઓનાં સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગારી અને સશક્તીકરણ માટે કાર્યરત રહેશે. બાલિકા પંચાયત તેને સોંપવામાં આવેલા કામો બાબતે ઠરાવ કરી નાણાંકીય મંજૂરી આપે છે. બાલિકા પંચાયત કિશોરીઓની રમતગમતને પ્રોત્સાહન આપવા પ્રયત્નશીલ રહેશે. ઉપરાંત બાલિકા પંચાયત વિવિધ મંડળો, બિનસરકારી સંસ્થાઓમાં અને સરકારનાં વિવિધ વિભાગો જે કિશોરીઓ અને મહિલાઓનાં સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગારી અને સશક્તીકરણ માટે કામ કરે છે એવી સંસ્થા સાથે સંબંધ જાળવી લોક જાગૃતિ લાવવાનાં કામો કરશે.
બાલિકા પંચાયતનાં સરપંચપદ માટે કુલ 8 કિશોરીઓએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી 4 કિશોરીઓ ઉમેદવારી પાછી ખેંચી હતી.તો 4 ઉમેદવારો ભારતી ગરવા, રૂબિના નોડે, તૃષાલી સુથાર, અફસાના સુમરા સરપંચપદ માટે મેદાનમાં ઉતાર્યા હતા.આજ રોજ કુનરીયા બાલિકા પંચાયતની ચૂંટણી લોકતાંત્રિક પ્રક્રિયાથી કરવામાં આવી હતી જેમાં વિવિધ 6 વોર્ડનાં 240 જેટલા મતદાતાઓએ ભાગ લીધો હતો. આ ચુંટણી દ્વારા કુનરીયાની કિશોરીઓને મતદાનની પ્રવૃતિની જાણકારી મળી હતી તેમજ ત્રિસ્તરીય પંચાયતી રાજમાં 50% મહિલા અનામતને અસરકારક બનાવવા બાલિકા પંચાયતનો અનુભવ ઉપયોગી થશે. આ ઉપરાંત બાલિકા પંચાયત દ્વારા કિશોરીઓનાં જન જાગૃતિના કાર્યક્રમ તથા કિશોરીઓ માટે રમત ગમત કાર્યક્રમ કરવામાં આવશે. ઉપરાંત કિશોરીઓને પોષક આહાર અને કૌશલ્યવર્ધન તાલીમ અપાશે તથા કિશોરીઓનાં પ્રેરણા પ્રવાસનું આયોજન પણ કરવામાં આવશે. બાલિકા પંચાયત આસપાસના ગામોમાં પણ આવી પ્રવૃત્તિ થાય અને બધા ગામોમાં આવી પંચાયત થયા બાદ એક ફેડરેશનની રચના કરી જિલ્લા વહીવટી તંત્ર પાસે કિશોરીઓનાં હિત સંબંધિત નીતિવિષયક રજૂઆતો પણ કરવામાં આવશે.
બાલિકા પંચાયતની પ્રેરણા અંગે કુનરીયા ગામના સરપંચ સુરેશભાઈ છાંગા સાથે ચર્ચા કરતા તેમને જણાવ્યું હતું કે, વર્ષ 2018ની પંચાયતી રાજ વ્યવસ્થાની મિટીંગમાં સાગુંનીયાન કબ્બતાન યુથ કાઉન્સીલની વાત કરી હતી. જાણવાની ઉત્સુકતામાં વિવિધ વેબ સાઇટ પર સર્ચ કરતા એમની કામગીરીથી આકર્ષાઇને તેમને આવા પ્રકારનું મોડેલ કિશોરીઓના હિતમાં કામ કરે એવો વિચાર આવ્યો અને તેમને બેટી બચાઓ બેટી પઢાઓ સેલ ને વાત કરી મહિલા અને બાલ અધિકારીએ આ માટે તરત મંજૂરી આપી એટલે ગામમાં કિશોરીઓની મિટીંગ યોજાઈ હતી અને કિશોરીઓનાં અભુતપૂર્વ ઊત્સાહથી બાલીકા પંચાયતની સફળતા માટે વિશ્વાસ વધ્યો અને આ દિશામાં કામ શરૂ કર્યુ. બાલિકા પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા માટે ખુબ જ ઉત્સાહ હતો અને સારો અનુભવ રહ્યો. ઉપરાંત આ એક નવી પહેલ છે જે ગામ દ્વારા કરવામાં આવી છે અને આ વાત પર ગૌરવ છે. પહેલી વાર મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું છે જે અલગ જ અનુભવ હતો.
