નવસારીઃ મધઉછેર થકી લખપતિ બન્યા મહિલા, 5000 મહિલાઓને આપી ચૂક્યા છે ટ્રેનિંગ
Live TV
-
વુમન્સ ડે આવી રહ્યો છે ત્યારે કહેવાયુ છે કે નારી તું કભી ન હારી...વાત છે નવસારીની જ્યાં એક સાહસિક મહિલાએ મધ ઉછેર કેન્દ્રમાં ઝંપલાવી કાઠું કાઢ્યું છે સાથે બીજી મહિલાઓના જીવનમાં પણ આ મહિલા મધ જેવી મીઠાસ લઇને આવી છે.
ફાર્મમાં ઉછરતી મધમાખીઓ અને તેમાંથી તૈયાર થતી મધની મીઠાસનો આધાર છે એક નારી. નવસારી જિલ્લામાં આવેલ સોલધરા ગામ આજે મધઉછેર પ્રવૃતિના કારણે ખુબ જ જાણીતું બન્યું છે. અશ્મિતાબેન અશોકભાઇ પટેલ મધમાખી ઉછેર પ્રવૃતિ થકી આજે લખપતિ બન્યા છે.
અશ્મિતાબેન પટેલ દ્વારા ઉત્પાદિત મધનું મુલ્યવર્ધન કરીને તેઓ બજારમાં વેચાણમાં મુકવાની પ્રવૃતિ કરે છે. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા શ્રેષ્ઠ મહિલા ખેડૂત તરીકેનું સન્માન કરવામાં આવ્યું હતું.કંઈક નવું કરવાની તમન્નાથી મધમાખી ઉછેરની તેમણે તાલીમ મેળવી અને નાના પાયે મધ ઉત્પાદનની શરુઆત કરી છેલ્લા આઠ વર્ષથી મધઉછેર પ્રવૃતિ સાથે જોડાયા.. આજે તેઓ કાયમી ૨૫ લોકોને રોજગારી પુરી પાડી છે. તેમની પાસે આજે ૨૦૦૦ મધઉછેર માટેની પેટીઓ છે. જેનાથી પોતાની આવક સાથે બીજાને રોજગારી પુરી પાડી એક આગવી ઓળખ ઉભી કરી છે.
તેમનાં જીવન સાથી અશોકભાઇ પણ જાતજાતના પ્રયોગો કરીને ઉંચી ગુણવત્તાવાળું મધ મેળવવા પ્રયત્નો હાથ ધરતાં હોય છે. મધમાખી ઉછેરથી સમૃધ્ધ થયેલા અશ્મિતાબેન અન્ય મહિલા ખેડૂતોને આ વ્યવસાય કરવા માર્ગદર્શન આપે છે અને આજ દિન સુધીમાં 5000 થી વધુ મહિલાઓને ટ્રેનિંગ આપી મધઉછેર કેન્દ્ર માટે તૈયાર કર્યા છે. અશ્મિતા બહેને મન અને મહેનત હોય તો માળવે જરુરથી જવાય આ ઊકિ્તને પોતાનાં કર્મ દ્વારા સાર્થક કરી છે.
