નોકરી સાથે ખેતીમાં ‘કેળા ક્રાંતિ’: ઓલપાડના યુવા ખેડૂતે 3 વીઘામાં ઉગાડી 50થી વધુ વેરાયટી
Live TV
-
નોકરી સાથે ખેતીમાં ‘કેળા ક્રાંતિ’: ઓલપાડના યુવા ખેડૂતે 3 વીઘામાં ઉગાડી 50થી વધુ વેરાયટી
આજના સમયમાં જ્યારે શિક્ષિત યુવાનો ખેતીને જોખમી માની શહેરોમાં નોકરી પાછળ દોટ લગાવી રહ્યા છે, ત્યારે સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામના એક યુવાને ખેતીને નવો આયામ આપ્યો છે. 34 વર્ષીય કલ્પેશભાઈ પટેલે પોતાની કોઠાસૂઝ અને મહેનતથી ખેતરમાં કેળાનો એવો ‘ખજાનો’ ઉભો કર્યો છે જે આજે અન્ય ખેડૂતો માટે અભ્યાસનો વિષય બન્યો છે.
એક-બે નહીં, 50થી વધુ વેરાયટીનો સંગ્રહ
સામાન્ય રીતે ખેડૂતો કેળાની એક કે બે જાણીતી જાતનું વાવેતર કરતા હોય છે, પરંતુ કલ્પેશભાઈએ પોતાના માત્ર 3 વીઘા ખેતરમાં દેશના ખૂણેખૂણેથી કેળાની જાતો એકઠી કરી છે. તેમણે કેરળ, કર્ણાટક, તમિલનાડુ, બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી રોપા લાવીને સફળ વાવેતર કર્યું છે.
કલ્પેશભાઈ માત્ર ખેતી જ નથી કરતા, પરંતુ તેઓ એક ખાનગી કંપનીમાં નોકરી પણ કરે છે. નોકરીની વ્યસ્તતા વચ્ચે પણ તેમણે છેલ્લા 4 વર્ષથી રાસાયણિક ખેતીને સંપૂર્ણપણે તિલાંજલિ આપી દીધી છે. તેઓ સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, જેના કારણે કેળાની ગુણવત્તા અને સ્વાદ અકબંધ રહે છે.
ખેતરમાં જોવા મળતી મુખ્ય વેરાયટીઓ જાવા જેનો સ્વાદ વેનીલા આઈસ્ક્રીમ જેવો હોય છે. લાલ કેળ જે સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે.આ સિવાય પુવન, આધા પૂરી, રસ થલી, બસરાઈ અને મહાલક્ષ્મી સહિત 50થી વધુ પ્રકાર છે.
નવી પેઢી માટે પ્રેરણારૂપ
કલ્પેશભાઈની આ સિદ્ધિ દર્શાવે છે કે જો આધુનિક અભિગમ અને પ્રાકૃતિક પદ્ધતિનો સમન્વય કરવામાં આવે, તો ખેતી પણ નફાકારક વ્યવસાય બની શકે છે. માત્ર 34 વર્ષની ઉંમરે ખેતીમાં આ પ્રકારનો પ્રયોગ કરીને તેમણે સાબિત કર્યું છે કે ધરતીપુત્ર ધારે તો પોતાની મહેનતથી સોનું પકવી શકે છે.
