ફાધર્સ ડે : સંતાનને કિડનીનું દાન કરીને વ્હાલ સાથે સમર્પણ ભાવ દર્શાવતા પિતા
Live TV
-
અમદાવાદની કિડની હોસ્પિટલ ખાતે પિતાએ પોતાના સંતાનને કિડની આપી ખરા અર્થમાં "ફાધર્સ ડે" ને સાર્થક કર્યો
વિશ્વભરમાં જૂન મહિનાના ત્રીજા રવિવારે “ફાધર્સ ડે” ની ઉજવણી કરવામાં આવે છે. આજે એટલે કે 20મી જૂનના રોજ વિશ્વભરમાં “ફાધર્સ ડે” ની ઉજવણી કરવામાં આવશે. જ્યારે પણ પોતાના સંતાન કે પરિવાર ઉપર કોઈ સમસ્યા આવે, ત્યારે પિતા હંમેશા દૂત બનીને ઉભા રહે છે અને પોતાના સંતાન માટે કઈ પણ કરી છૂટવાની ખેવના ધરાવે છે. સંતાનો માટે પિતાના બલિદાન શબ્દોમાં ક્યારેય વ્યક્ત ન થઈ શકે. જેથી, પિતાના આ કિંમતી અને બિનશરતી પ્રેમને વાચા આપવા દર વર્ષે “ફાધર્સ ડે” ની ઉજવણી કરવામાં આવે છે.
અમદાવાદ ખાતે આવેલી કિડની હોસ્પિટલમાં પણ આવા જ કેટલાક પિતાઓ પોતાના બાળકો માટે દેવદૂત બન્યા છે. કિડની ફેલ્યોર જેવી ગંભીર બીમારીથી પીડાતા તેમજ અઠવાડીયામાં બે થી ત્રણ વાર ડાયાલિસીસ જેવી પીડાદાયક સારવારમાંથી પસાર થતા પોતાના સંતાનોને જોઈને કોઈ પણ પિતાનું કાળજુ કંપી જાય, પરંતુ પિતા તરીકેની ફરજ અને પોતાના વ્હાલસોયાને બચાવવા માટેની સંવેદનશીલતા એક પિતાને હિંમત હારવા દેતી નથી. આજે "ફાધર્સ ડે" નિમિત્તે આવા જ ઉત્તમ ઉદાહરણો અમદાવાદની કિડની હોસ્પિટલમાં જોવા મળ્યા હતા. અમદાવાદ ખાતે આવેલી કિડની હોસ્પિટલમાં કેટલાક પ્રેરણાદાયી પિતાઓ છે કે જેમણે કિડની ફેલ્યોર જેવી ગંભીર બીમારીથી પીડાતા પોતાના સંતાનોને બચાવવા પોતાની એક કિડની દાન કરીને પોતાના બાળકનો જીવ બચાવીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડયુ છે.
મૂળ ભાવનગરના વતની સવજીભાઈ બાવળીયાની ઉંમર માત્ર 45 વર્ષની છે. જેમણે કિડની ફેલ્યોર જેવી ગંભીર બીમારીથી પીડાતા પોતાના 18 વર્ષના પુત્ર વિપુલને બચાવવા પોતાની એક કિડની દાન કરવાનો નિર્ણય કર્યો. કિડની હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની મદદથી સફળ કિડની પ્રત્યારોપણ દ્વારા પોતાની એક કિડની આપી, તેમના પુત્રને નવજીવન બક્ષ્યું છે.
આવું જ એક બિજુ ઉદાહરણ છે, 60 વર્ષના સુરેન્દ્રબહાદુરસિંહ રાજપુત જેઓ અમદાવાદમાં જ રહે છે. તેમને પણ પોતાની 18 વર્ષની પુત્રી સંતોષીને બચાવવા પોતાની એક કિડની દાનમાં આપી પુત્રીને નવું જીવન પ્રદાન કર્યું અને મનુભાઈ ચારણ, જયપ્રકાશસિંહ જેવા ઘણા પિતાઓએ પોતાની એક કિડની આપી પોતાના સંતાનોને નવો જન્મ આપી સાબિત કર્યું છે કે, પિતાનો પ્રેમ પોતાના સંતાનો માટે નિ:સ્વાર્થ હોય છે.
