બનાસકાંઠાની સ્વયંસેવી યુવતીએ 300 જેટલી મહિલાઓને બનાવી પગભર
Live TV
-
ગુજરાતમાં સ્ત્રીઓને પગભર બનાવવા રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. ત્યારે સરકાર સાથો સાથ અનેક સ્વયંસેવી સંસ્થાઓ અને સમાજસેવકો પણ મહિલાઓને સશક્ત બનાવવા તરફ કાર્યરત હોય છે. આવી જ રીતે બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુરની એક શિક્ષિત યુવતી છેલ્લાં ત્રણ વર્ષોથી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન અન્વયે 30 થી 55 વર્ષની ગૃહિણી મહિલાઓની આર્થિક સ્થિતિ સુધારવા તેમજ તેમને પગભર બનાવવા પ્રિયંકા ચૌહાણ નામની યુવતી સંકટ સમયની સાંકળ નામથી અભિયાન ચલાવી રહી છે. પોતાની વુમન કેર ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા તે જુદી જુદી કંપનીઓ સાથે સંકલન કરીને મહિલાઓને સિલાઈ કામ, પાપડ બનાવવા, ખાખરા બનાવવા, કાજુ ફોલવા, મહેંદીકામ વગેરેની તાલીમ અપાવે છે. આ યુવતીએ અત્યાર સુધીમાં આશરે 300 જેટલી બહેનોને રોજગારલક્ષી તાલીમ વિનામૂલ્યે આપી, રોજગારી અપાવી છે. આ બધી જ મહિલાલક્ષી કામગીરી યુવતી સ્વખર્ચે કરે છે, જેથી અન્ય મહિલાઓ માટે પણ તે પ્રેરણારૂપ બની છે.
