ભારતના પ્રથમ મહિલા ફિઝિશિયન ડૉક્ટર આનંદીબેન જોશી, સ્ત્રી સશક્તિકરણનું અપ્રતિમ ઉદાહરણ
Live TV
-
અમેરિકાની ધરતી પર પ્રથમ પગ મુકનાર અને ભારતના પ્રથમ મહિલા ડૉક્ટરની પુણ્યતિથી
માત્ર 21 વર્ષની ઉંમરમાં 26 ફેબ્રુઆરી 1887ના રોજ આનંદીબાઈ જોશીનું થયું નિધન
આજથી દોઢસો વર્ષ પહેલા જ્યારે મહિલા સશક્તિકરણ,ફેમિનિઝમ કે જેન્ડર ઈક્વાલિટી જેવા શબ્દો વિચારોથી પણ કોષો દુર હતા ત્યારે ભારતમાં જન્મ થયો હતો સ્ત્રી શક્તિને ઉજાગર કરનાર એક અનમોલ રત્ન યમુનાનો. સ્ત્રીશિક્ષણ તો દુરની વાત છે પણ એ સમયમાં બાળવિવાહની પ્રથાનું દુષણ સમાજમાં ઘર કરીને બેઠું હતું, સ્ત્રીઓ અપાર દુઃખોનો સામનો કરી રહી હતી. અને સમાજની માનસિકતા ખુબ જ સંકુચિત હતી એ સમયમાં સમગ્ર સ્ત્રી વર્ગને એક નવી દિશા ચિંધનાર, નિર્ભય અને સાહિસક ભારતીય નારીનો ભારતે પરિચય મેળવ્યો હતો જેમનું નામ છે આનંદીબાઈ ગોપાલરાવ જોશી. ઘરની સ્ત્રીઓ જ્યારે ચોક્કસ પ્રકારની મર્યાદામાં હતી, પડદામાં હતી, દુષણો અને અપાર દુઃખોના ડુંગર નીચે દબાયેલી હતી ત્યારે ન માત્ર ઘરનો ઉંબરો પણ સમુદ્રને ઓળંગીને અમેરિકા જઈ મેડિકલની ડિગ્રી મેળવનાર આનંદીબાઈ ભારતના પ્રથમ મહિલા ડૉક્ટર બન્યા હતા.
આનંદીબાઈ જોશીનો પરિચય
31 માર્ચ 1865માં મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં કલ્યાણ ખાતે સુખી અને રુઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં આનંદીબાઈનો જન્મ થયો હતો. તત્કાલિન સમાજ વ્યવસ્થા અને પરિવારના દબાણ હેઠળ માત્ર 9 વર્ષની કુમળી વયે તેમના લગ્ન તેમનાથી 20 વર્ષ મોટા અને વિધુર ગોપાલરાવ જોશી સાથે કરવામાં આવ્યા હતાં.
જન્મ સમયે આનંદીબાઈ યમુના નામથી ઓળખાતા હતા. તેમના પતિ ગોપાલરાવે લગ્ન બાદ તેમનું નામ બદલીને આનંદી રાખ્યું હતું. ગોપાલરાવ કલ્યાણમાં ટપાલ(પોસ્ટ) ખાતામાં કલાર્ક તરીકે કામ કરતા હતા. ત્યારબાદ તેમની બદલી અલીબાગ ખાતે છેલ્લે કલકત્તા ખાતે થઈ હતી. તેઓ સુધારાવાદી વિચારણસરણી ધરાવતા હતા અને સ્ત્રી શિક્ષણના હિમાયતી હતા. જે તે દિવસો દરમિયાન ભારતમાં ઉપલબ્ધ ન હતું. તે દિવસોમાં સંસ્કૃતમાં વિદ્ધાન બ્રાહ્મણો ઘણાં હતા પણ લોકહિતવાદી શત પાત્રેથી પ્રભાવિત થઈને તેમણે અંગ્રેજીમાં પણ રસ લીધો હતો. આનંદીબાઈના રસને ધ્યાનમાં રાખીને તેમણે તેને અંગ્રેજી શીખવામાં પૂરી સહાય કરી હતી.
13 વર્ષની વયે આનંદીબાઈ ગર્ભવતી થયા અને 14માં વર્ષે તેમણે પુત્રને જન્મ આપ્યો, પરંતુ પૂરતી સહાયના અભાવે બાળક માત્ર 10 દિવસમાં મૃત્યુ પામ્યું. એ ઘડી આનંદીબાઈના જીવનની નિર્ણાયક ઘડી હતી અને તેમણે તબીબ બનવાનો સંકલ્પ કર્યો. ગોપાલરાવે તેમને મિશનરી સ્કૂલમાં પ્રવેશ આપવા પ્રયાસો કર્યા પરંતુ સફળતા ન મળતા કલકત્તા ચાલ્યા ગયા, અહીં તેમણે સંસ્કૃત તેમજ અંગ્રેજી ભાષા શીખ્યા હતા.
આનંદીબાઈને તબીબી શિક્ષણ માટે પતિએ કર્યા પ્રોત્સાહિત
ગોપાલરાવે આનંદીબાઈને તબીબી અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા. 1880માં તેમણે અમેરિકાના એક પ્રસિદ્ધ મિશનરી તોયલ વાઈલ્ડરને એક પત્ર મોકલ્યો, જેમાં તેમણે પત્નીની સંયુક્ત રાજ્ય અમેરિકામાં ચિકિત્સાનો અભ્યાસ કરવાની રુચિ તથા પોતાના માટે અમેરિકામાં એક યોગ્ય પદ વિશે પૂછપરછ કરી હતી. વાઇલ્ડરે તેની પ્રિન્સટનની મિશનરી સમીક્ષામાં પત્રવ્યવહાર પ્રકાશિત કર્યો. થિયોડિસીયા કારપેન્ટર કે જે ન્યુ જર્સીના રોઝેલની રહેવાસી હતા. તેમણે તેના દંત ચિકિત્સકની રાહ જોતી વખતે આ પત્રવ્યવહાર વાંચ્યો. આનંદીબાઈની તબીબી અભ્યાસ કરવાની ઇચ્છા અને પત્ની માટે ગોપાલરાવના સમર્થન બંનેથી પ્રભાવિત, તેમણે આનંદીબાઈને પત્ર લખ્યો. કારપેન્ટર અને આનંદીબાઇએ ગાઢ મિત્રતા વિકસાવી અને એકબીજાને "કાકી" અને "ભત્રીજી" તરીકે સંબોધવા લાગ્યા. તેમણે આનંદીબાઈના અમેરિકાના વસવાટ દરમિયાન રહેવાની વ્યવસ્થા પણ કરી.
જ્યારે જોશી દંપતી કલકત્તામાં હતા ત્યારે આનંદીબાઈનું સ્વાસ્થ્ય નબળું પડી રહ્યું હતું. તે નબળાઇ, સતત માથાનો દુખાવો, ક્યારેક તાવ અને ક્યારેક શ્વાસની તકલીફથી પીડાતા હતા. થિયોડિસિયાએ તેમના માટે અમેરિકાથી દવાઓ મોકલાવી. 1883માં ગોપાલરાવની બદલી સેરામપોર કરવામાં આવી. તેમણે પત્નીની તબિયત નાદુરસ્ત હોવા છતાં આનંદીબાઈને તેના તબીબી અભ્યાસ માટે અમેરિકા મોકલવાનું નક્કી કર્યું. ગોપાલરાવે તેમને ઉચ્ચ શિક્ષણ મેળવીને અન્ય મહિલાઓ માટે ઉદાહરણરૂપ બનવા માટે સમજાવ્યા.
થોરોન નામના ચિકિત્સક દંપતી આનંદીબાઈને પેન્સિલવેનિયાની વુમન મેડિકલ કોલેજમાં અરજી કરવા સૂચન કર્યું. પશ્ચિમમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેની આનંદીબાઈની યોજનાઓ વિશે જાણતાં રૂઢિચુસ્ત ભારતીય સમાજે તેમને ખૂબ જ વિરોધ કર્યો. આનંદીબાઈએ સેરમપોર કોલેજ હોલમાં સમુદાયને સંબોધન કરતાં પોતાના અમેરિકા જવા અને મેડિકલની ડિગ્રી મેળવવાનો નિર્ણય સમજાવ્યો. તેમણે અને તેમના પતિએ જે પીડા સહન કરી હતી તેની ચર્ચા કરી. તેમણે ભારતમાં સ્ત્રી ડોકટરોની જરૂરિયાત પર ભાર મૂક્યો તથા ભારપૂર્વક જણાવ્યું હતું કે હિન્દુ મહિલાઓ હિન્દુ મહિલાઓના ચિકિત્સક તરીકે વધુ સારી રીતે સેવા આપી શકે છે. તેમના ભાષણને પ્રસિદ્ધિ મળી, અને આખા ભારતમાંથી આર્થિક યોગદાન આવવાનું શરૂ થયું. અને આજથી દોઢસો વર્ષ પહેલા ભારતમાં સ્ત્રી શક્તિનું એક અનેરુ બીજ અંકુરિત થયું.
આંનદીબાઈનો અમેરિકાનો પ્રવાસ
માત્ર ચૌદ વર્ષની ઉંમરે આનંદીબાઈએ પુત્રને જન્મ આપ્યો, પણ માંડ દસ દિવસ જીવીને પુત્રનું મૃત્યુ થયું. તે જમાનામાં અધકચરું જ્ઞાન ધરાવતી દાયણો કે મીડવાઇફ પ્રસૂતિ કરાવતી; તેઓ નવજાત શિશુ અને પ્રસૂતાની સાર-સંભાળ પણ લેતી. બાળમરણ અને પ્રસૂતાના મૃત્યુનાં આક ઊંચાં રહેતાં. યોગ્ય સારવારના અભાવે પુત્રના બાળમરણથી આનંદીબાઈને ભારે આઘાત લાગ્યો.
સમુદ્ર માર્ગે એક કુશળ અને નિર્ભય વિરાંગનાએ ન્યુયોર્ક સુધીની મુસાફરી કરી. ન્યુયોર્કમાં થિયોડિસીયા કાર્પેન્ટરે જૂન 1883માં તેમનું સ્વાગત કર્યું, આનંદીબેનએ પેન્સિલવેનિયાની વુમન મેડિકલ કોલેજમાં એડમિશન મેળવ્યું. અને 19 વર્ષની ઉંમરે તબીબી તાલીમ મેળવવાનું શરુ કર્યું. અમેરિકામાં ઠંડા વાતાવરણ અને અપરિચિત આહારને કારણે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. તેમને ક્ષયનો રોગ થયો. તેમ છતાં તેમણે માર્ચ 1886માં એમ.ડી. સાથે સ્નાતક થયા. તેમના શોધનિબંધનો વિષય હતો "આર્યન હિન્દુઓમાં પ્રસૂતિશાસ્ત્ર." શોધનિબંધમાં આયુર્વેદિક ગ્રંથો અને અમેરિકન તબીબી પાઠ્યપુસ્તકો બંનેનાં સંદર્ભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આનંદીબાઈના અનુસ્નાતક થવા બદલ ક્વીન વિક્ટોરિયાએ તેમને અભિનંદન પત્ર મોકલ્યો હતો.
ઈ.સ. 1886ના અંતમાં તેઓ ભારત પરત ફર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તે વખતના કોલ્હાપુરના રજવાડાએ તેમને આલ્બર્ટ એડવર્ડ હોસ્પીટલના સ્ત્રી-વિભાગના પ્રભારી ચિકિત્સક તરીકે નિયુક્ત કર્યા. માત્ર અઢાર વર્ષની ઉંમરે આનંદી ગોપાલ જોશી અમેરિકાની ધરતી પર પગ મૂકનાર પ્રથમ ભારતીય નારી હતાં.
અમેરિકામાં આનંદીબાઈ હિંદુસ્તાની પોશાક અને ભોજન શૈલી જાળવી રાખ્યા હતા. નવ વારની લાંબી મહારાષ્ટ્રિયન સાડી પહેરીને તેમણે કોલેજમાં અભ્યાસ કર્યો હતો. 1886ના અંતમાં ડૉક્ટર આનંદીબાઈ અને ગોપાલરાવ અમેરિકાથી હિંદુસ્તાન પાછા ફર્યાં અને મુંબઈ બંદરે ઉતર્યાં. મહારાષ્ટ્રના કોલ્હાપુર રાજ્યમાં આલ્બર્ટ એડવર્ડ હોસ્પિટલ હતી. કોલ્હાપુરના રાજાએ જૂન 1886માં પત્ર દ્વારા આલ્બર્ટ એડવર્ડ હૉસ્પિટલના ફીમેલ વોર્ડના ફિઝિશિયન-ઇન-ચાર્જ તરીકે ડૉક્ટર આનંદીબાઈની નિમણૂક કરી હતી. પણ ટ્યુબરક્યુલોસિસ (ટીબી) નો ભોગ બનેલા આનંદીબાઈની તબિયત ખૂબ બગડતી ગઈ. માત્ર એકવીસ વર્ષની ઉંમરે 1887ના ફેબ્રુઆરીની 26મીએ ભારતના પ્રથમ મહિલા ફિઝિશિયન ડૉક્ટર આનંદીબાઈ જોશીનું અવસાન થયું.
બંધનોમાં જકડાયેલા સ્ત્રી સમાજને એક નવી દિશાની રાહ ચિંધવાનું પુણ્ય આનંદીબેનના ફાળે જાય છે. ડૉક્ટર આનંદીબાઈ જોશીની યાદમાં શુક્ર ગ્રહ પરના એક ‘ક્રેટર’ને ‘જોશી’ નામ આપવામાં આવ્યું છે. આમ, આનંદીબાઈ જોશીની સ્મૃતિને અમર કરવામાં આવી છે.
