ભાવનગરના ઘાંઘળી ગામના વી.સી.ઈની શ્રેષ્ઠ કામગીરી, દોઢ વર્ષમાં 15.5 કરોડના નાણાંકીય ટ્રાન્ઝેક્શન થયા
Live TV
-
ભાવનગર જિલ્લાનું ઘાંઘળી ગામે નાણાંકીય સમાવેશનનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. દોઢ વર્ષમાં 15.5 કરોડના નાંણાકીય ટ્રાન્ઝેક્શન થયા છે
ભાવનગર જિલ્લાના ઘાંઘળી ગામમાં ઈ-ગ્રામ સેવા અંતર્ગત ગત દોઢ વર્ષમાં 15.5 કરોડના નાણાકીય ટ્રાન્ઝેક્શન થયા છે. ગ્રામજનોને સરકારી કામગીરી, બેન્કિંગ, રિચાર્જ, વીમા સહિતની નાણાકીય સુવિધાઓ ગ્રામ પંચાયત ખાતે જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઘાંઘળી ગામના વી.સી.ઈ જયેશભાઈ પારઘીની ઉમદા કામગરી બદલ તેમને બેસ્ટ વી.સી.ઈ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. જે બદલ તેઓ ઈલેક્ટ્રોનિક બાઈકના વિજેતા બન્યા હતા.
ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાનું ઘાંઘળી ગામ ચાર હજાર નાગરિકોની જ વસતિ ધરાવે છે.પરંતુ અહીંની ગ્રામ પંચાયત કચેરી ખાતે કાર્યરત વી.સી.ઇ.જયેશભાઇ પારઘીએ ઇ-ગ્રામ અંતર્ગત ગત વર્ષે 13 કરોડ રુપિયા અને ચાલુ વર્ષે 2.5 કરોડ રુપિયાથી પણ વધુની બિઝનેસ ટ્રાન્ઝેક્શન કર્યા છે.
ઘાંઘળી ગામમાં કોઈ પણ બેંક નહીં હોવાથી લોકો રોજબરોજના બેન્કિંગ વ્યવહારો કરવા માટે ઈ-ગ્રામધરા આવે છે.આમ જયેશભાઈ વર્ષોથી વી.સી.ઇ. તરીકે કાર્ય કરતાં હોવાથી લોકો માટે ખૂબ જ વિશ્વાસપાત્ર સાબિત થયા છે. વી.સી.ઇ. જયેશભાઇને ગત વર્ષે શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય સરકારે 'બેસ્ટ વી.સી.ઇ.' એવોર્ડથી સન્માનિત કર્યા હતા. અને તેમને ઇનામ સ્વરુપે ઇ-બાઇક પણ મળ્યું હતું.
વી.સી.ઇ. જયેશભાઇ પારઘી જણાવે છે કે, ગ્રામ પંચાયત કચેરીમાં B2C (‘બિઝનેસ ટુ સિટીઝન’) સેવાઓ જેવી કે મોબાઇલ રીચાર્જ, લાઇટ બિલ કલેકશન, DTH રીચાર્જ, 2-4 વ્હીલર વ્હીકલનો વિમો, મેડીકલ વીમો, મની ટ્રાન્સફર, આધાર અનેબલ પેમેન્ટ સીસ્ટમ (ALPS), બસ ટીકીટ, એર ટીકીટ, ટ્રેન ટીકીટ નું ઓનલાઇન બુકિંગ અને ઇનકમ ટેક્ષ રીટર્ન જેવી સેવાઓ આપવામાં આવે છે.
ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે તેઓ આધાર એનેબલ પેમેન્ટ સિસ્ટમનો વધુ વપરાશ કરે છે કારણ કે તેમની ગામની આસ પાસ GIDC વિસ્તાર આવેલો છે. જેમાં અન્ય રાજ્યના શ્રમિકો પણ કામ કરે છે.તેમને પોતાનો પગાર ખાતામાંથી દર મહીને ઉપાડવા કે પોતાના સંબંધિઓને પૈસા મોકલવાના હોય છે. બેંક દૂર હોવાથી તેઓ અહીં ગ્રામ પંચાયતમં આવે છે અને હું તેમને આધાર અનેબલ પેમેન્ટ સિસ્ટમથી ટ્રાન્સફર કરી આપુ છું.જેથી શ્રમિકોનો સમય બચે છે.
તેમજ વધુમાં તેમણે જણાવ્યુ કે, G2C (‘ગર્વમેન્ટ ટુ સિટીઝન’) સેવાઓ અંતર્ગત ગ્રામ પંચાયત૭/૧૨ કે ૮અ ના ઉતારા, જન્મ-મરણના દાખલાઓ, RTO ના ફોર્મ, ઓન લાઇન ભરતીના ફોર્મ, પાન કાર્ડ, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, તેમજ ડીજેટલ સેવા સેતુ મારફત સીનીયર સીટીઝનનો દાખલો, વિધવા સર્ટીફીકેટ, આવકનો દાખલો કે રેશન કાર્ડ ને લગતી અરજીઓ આઇ-ખેડૂત પોર્ટલને લગતી અરજીઓ માટે તાલુકા મથક પર જવું પરંતુ સરકારના ઇ-ગ્રામ પ્રોજેકટ અંતર્ગત ઇન્ગ્રામ સેન્ટર પર ઉપરની બધી સેવાઓ મળી રહે છે. જેથી અરજદારોને તાલુકા મથક સુધી જવું પડતું નથી. જેથી અરજદારના સમય અને પૈસા બન્નેની બચત થાય છે. જેથી તેમણે રાજય સરકારને ઇ-ગ્રામ વિશ્વ ગામ પ્રોજેકટ શરૂ કરવા બદલ આભાર માન્યો હતો.
ઘાંઘળી ગામના ઇ-ગ્રામ સેનેટર વિશે જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવાએ જણાવ્યું હતું કે, ઘાંઘળી ગ્રામ પંચાયતના વી.સી.ઇ. જયેશભાઈની કામગીરીની રાજ્ય સ્તરે નોંધ લેવાઇ રહી છે.જે અન્ય વી.સી.ઇ. માટે પણ પ્રેરણારુપ છે.આ અંગે જિલ્લા કલેકટર આર.કે.મહેતાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય નાગરિકોને સરકારી કામકાજને લગતી ઓનલાઇન સુવિધાઓ ગામમાં જ આપીને લોકોને શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનું ટેકનોલોજીકલ અંતર દૂર કરી શકાયું છે.ગ્રામ્ય નાગરિકોને સશક્ત કરીને તેમની ભાગીદારી વધારવાના હેતુથી "ઇ-ગ્રામ વિશ્વગ્રામ" યોજના અમલમાં મુકવામાં આવી છે. જેથી ઘાંઘળી ગ્રામ પંચાયતના વી.સી.ઇ.ની કામગીરીખૂબ જ ઉમદા અને અભિનંદનને પાત્ર છે.
ઇ-ગ્રામ સેવાઓ થકી નાણાકીય સમાવેશનની દિશામાં સરકારે મોટી હરણફાળ ભરી છે. આ સેવાઓ થકી તાલુકા કક્ષાની સેવાઓ ગ્રામ્ય કક્ષાએ પ્રાપ્ય અને સુલભ બની છે. જેથી ગામના લોકોને મોટી સુવિધા મળી રહે છે. અને તેઓ સરળતાથી સેવાઓનો લાભ લઈ શકે છે.
