મરકઝથી આવેલા વધુ ત્રણ લોકોને શોધી કાઢવામાં આવ્યા - DGP
Live TV
-
શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ મેસેજ બનાવનાર અને તેને ફેલાવનાર બંને સામે ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના સંક્રમણના કેસોની સંખ્યા જ્યાં જ્યાં વધુ છે તે તમામ વિસ્તારોમાં ચુસ્ત લોકડાઉનના શક્ય તેટલાં કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આવશ્યક સેવાઓ માટે સરકાર દ્વારા આપવામાં આવેલી મુક્તિનો દુરુપયોગ ન કરવા અપીલ કરતાં શિવાનંદ ઝાએ ઉમેર્યું હતું કે, આવશ્યક સેવાઓ માટે મળેલી મુક્તિનો દુરુપયોગ ચલાવી લેવામાં આવશે નહિ.આ બાબતને ગંભીતાપૂર્વક લઇને પોલીસ દ્વારા જરૂરી વોચ રાખવામાં આવી રહી છે અને આવી વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, કોરોના વાયરસ સંદર્ભે હાલમાં સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પરથી અનેક અફવાઓ ઉપરાંત આપત્તિજનક પોસ્ટ થતી હોવાની વિગતો ધ્યાને આવતાં સાયબર સેલને સોશિયલ મીડિયા ઉપર સતત વોચ રાખવા કડક સૂચના આપી દેવામાં આવી છે. સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયા પર બાજનજર રાખી તા.૨૧ માર્ચથી અત્યાર સુધીમાં ફેસબુક, ટ્વિટર, ટિકટોક, યુ ટ્યુબ, વોટસએપ, ઇન્સ્ટાગ્રામ સહિતના ૧૬૪ જેટલા વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લૉક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. શિવાનંદ ઝાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.દિલ્હી નિઝામુદ્દીન મરકઝથી ગુજરાતમાં આવેલા વ્યક્તિઓ સંદર્ભે શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, ગઈકાલ સુધી ગુજરાતમાંથી ૧૨૭ નાગરિકો પકડાયા હતા જે મરકઝથી આવ્યા હતા.આજે અન્ય ત્રણ વ્યક્તિઓને ઓળખી લેવામાં આવ્યા છે જે ત્રણેય વ્યક્તિઓ ભાવનગરના છે. જે ત્રણમાંથી એકનો કેસ પોઝિટિવ આવ્યો છે. એટલે કે કુલ ૧૩૦ વ્યક્તિઓને પોલીસે શોધી કાઢ્યા છે જે તમામને કવોરંટાઈન કરવા સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સુરા જમાતમાંથી ૧૦૯૫ વ્યક્તિઓ ગુજરાતમાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે તે પૈકી મૂળ તમિલનાડુના ચાર વ્યક્તિઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે જે ભરૂચમાં છે. સુરા જમાતના મરક્ઝથી આવેલા અન્ય વ્યક્તિઓના ટ્રેસિંગની કાર્યવાહી ચાલુ છે.
