મૂર્ધન્ય કવિ અને ગઝલકાર ખલીલ ધનતેજવીની જન્મ જયંતિ; જાણો કેટલીક જાણી-અજાણી વાતો
Live TV
-
"તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે તો હેલીના માણસ, માવઠું આપણને નહી ફાવે"ગઝલનો મત્લાનો આ શેર સાંભળતા જ ગરવા ગુજરાતી ખલીલ ધનતેજવી યાદ આવે. આજે ખલીલ સાહેબની જન્મજયંતિ છે. ખલીલ ધનતેજવીનો જન્મ 12 મી ડિસેમ્બર 1935 ના રોજ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં થયો હતો. ખલીલ ધનતેજવીનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હોવા છતાં, પોતાના વતન પ્રત્યેના અપાર પ્રેમને કારણે તેમણે પોતાની અટકની જગ્યાએ પોતાના ગામનું નામ રાખી લીધું અને ત્યારબાદ તેઓ સાહિત્ય જગતમાં ખલીલ ધનતેજવીના નામથી જ ઓળખાતા થયાં. માત્ર 4 ચોપડી સુધીનું શિક્ષણ મેળવનાર ખલીલ ધનતેજવી ગુજરાતી અને ઉર્દૂના મૂર્ધન્ય ગલઝકાર હતા. તેઓ સાહિત્યની સાથે-સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે પણ સંકળાયેલા હતા.
ખલિલ ધનતેજવીએ તેમના જીવન કાળ દરમિયાન સાદગી, સારાંશ, સરોવર, સોગાત, સૂર્યમુખી, સાયબા, સાંવરિયો, સગપણ, સોપાન અને સારંગી જેવા કાવ્ય સંગ્રહોની તેમજ ડો.રેખા, તરસ્યા એકાંત, મિણની આંગળીએ સુરજ ઉગ્યો, લીલા પાંદડે પાનખર, સન્નાટાની ચીસ, સાવ અધૂરા લોક, લીલોછમ તડકો, કોરી કોરી ભીનાશ અને મોત મલકે મીઠું મીઠું જેવી નવલકથાઓની રચના કરી છે.
તેમને વર્ષ 2004 માં કલાપી એવોર્ડ, વર્ષ 2013 માં વાલી ગુજરાત ગઝલ એવોર્ડ અને વર્ષ 2019 માં નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
'જિંદગી તારા થી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કહેજે મને' કવિ ખલીલ ધનતેજવીના આ શબ્દો જિંદગી સામે બાથ ભીડીને થાકી ગયેલા માનવીમાં નવી ઉર્જાનો સંચાર કરનારા છે. ચાલુ વર્ષે એપ્રિલ માસની 4 તારીખે વહેલી સવારે 86 વર્ષની વયે તેમનું દેહાવસાન થયું હતું. લોકહ્રદય સમ્રાટ બની ગયેલી તેમની રચનાઓ અને સંભારણા આજના દિવસે પણ ગુજરાતના સાહિત્ય ચાહકોએ યાદ કર્યા છે.
