મોરબીમાં રાઘવજી પટેલે સરસ મેળાને ખુલ્લો મુક્યો, વિવિધ જિલ્લાની બહેનોએ 70 જેટલા સ્ટોલ શરૂ કર્યા
Live TV
-
મોરબી ખાતે પ્રાદેશિક સરસ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના ગ્રામીણ વિકાસ અને ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીહૂડ મિશન અન્વયે મોરબી ખાતે સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો. મોરબીના લખધીર શીનજી એન્જીનિયરિંગ ગ્રાઉન્ડ ખાતે સરસ મેળો યોજવામાં આવ્યો છે. મેળામાં અલગ અલગ જિલ્લામાંથી બહેનોએ 70 જેટલા સ્ટોલ શરૂ કર્યા છે.
સરસ મેળાનો પ્રારંભ કરાવી કૃષિ મંત્રી રાઘવજી પટેલે મહિલાઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્થાન માટે સખી મંડળોની શરૂઆત કરાવી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50% અનામત પણ આપવામાં આવી, જેના પરિણામ સ્વરૂપે આજે આપણે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયત,, જિલ્લા પંચાયતમાં,, મહિલાઓનું પ્રતિનિધિત્વ જોઈ શકીએ છીએ.
મોરબીના એલઈ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મેળામાં અલગ અલગ જિલ્લાઓમાંથી બહેનોએ આવીને 70 જેટલા સ્ટોલ શરુ કરવામાં આવ્યા છે. તો આ સરસ મેળાનો મોટી સંખ્યામાં મોરબીવાસીઓ લાભ લઇ રહ્યા છે જેનાથી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને પ્રતિસાદ પણ ખુબ મળી રહ્યો છે
