રાજકોટના 101 વર્ષના વયોવૃધ્ધ શિક્ષકે કોરોનાને આપી મ્હાત
Live TV
-
રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ વધતા અનેક પોઝિટીવ કેસની સાથે અનેક દર્દીના જીવનદીપ બૂઝાઈ રહ્યા છે. આવા સંજોગોમાં શહેરના બેડીપરા વિસ્તારમાં રહેતા 101 વર્ષના વયોવૃધ્ધ શિક્ષક પણ કોરોનાની ઝપટે ચડી ગયા હતા. જેથી ઘરના મોભીને પરિવારજનોએ તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. ત્યાંથી તેમને સમરસ હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 6 દિવસની સારવાર બાદ શનિવારે તેમને કોરોનામુકત જાહેર કરવામાં આવ્યા હતા. સંભવત: રાજકોટ શહેરમાં સૌથી મોટી ઉંમરના દર્દીએ કોરોનાને પછાડ્યો હતો.
રાજકોટ શહેરના બેડીપરા વિસ્તારમાં રહેતા હરજીવનભાઈ ચકુભાઈ કઠવાડિયા નામના 101 વર્ષના જૈફવૃધ્ધ પરિવાર સાથે કોરોનાકાળના દિવસો વિતાવી રહયા હતા. દરમિયાન વૃધ્ધ શિક્ષકના નાના પૂત્ર જયસુખભાઈને સતત શરદી-ઉધરસ રહેતા તેમનું રેપિડ ટેસ્ટ કરાવાયું હતું. જેમાં તેઓ પોઝીટીવ આવ્યા હતા. ત્યારબાદ આખા પરિવારના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં હરજીવનભાઈ તથા જયસુખભાઈની પત્ની કૈલાશબેન અને પૂત્ર કિશનના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. પરંતુ કૈલાશબેન અને તેના પૂત્ર કિશનને સામાન્ય અસર હોવાથી હોમ આઈસોલેશનમાં રખાયા હતા.
જ્યારે પૂત્ર જયસુખભાઈ બાદ તેના પિતા હરજીવનભાઈને 14 સપ્ટેમ્બરે કોરોનાની સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી 15 સપ્ટેમ્બરના વૃધ્ધને સમરસ હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા હતા.
મજબુત મનોબળ ધરાવતા 101 વર્ષના હરજીવનભાઈ તબીબી સારવાર અને સંભાળને કારણે પોતાની હિંમતને વધુ બળ મળ્યું હતું. જેથી મહામારીને પીછેહઠ કરવા મજબૂર કરી હતી. સમરસ હોસ્ટેલમાં તબીબી સ્ટાફ દ્વારા દર્દીઓની સાળ-સંભાળ રાખવાની વાતને બિરદાવી હતી. દરમિયાન શનિવારે હરજીવનભાઈની ચકાસણીમાં તેઓ કોરોનામુકત જાહેર થયા હતા.
જેથી તેના મોટા પૂત્ર મુકેશભાઈ અને પૌત્ર હાર્દિક સહિતના પરિવારજનો ઘરના મોભી પરત આવતા હાંશકારો અનુભવ્યો હતો. મુળ વાંકાનેરના ખારવા ગામના વતની અને વર્ષોથી રાજકોટમાં સ્થાયી થઈને રૈયાનાકા પાસેના શાળા નં.5માં શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્તિ પછી પણ સત્તાયુ સુધી પહોંચેલા હરજીવનભાઈ ચકુભાઈ કઠવાડિયા આગામી 3 ઓકટોબરના રોજ 102 વર્ષના થશે. વયોવૃધ્ધનો જન્મ 3 ઓકટોબર 1919માં થયો હતો.
કઠવાડિયા પરિવારના પિતા-પૂત્ર કોરોના સંક્રમણમાં આવી ગયા હતા. જેથી બન્નેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં હરજીવન બાપા શનિવારે કોરોનામુકત જાહેર થયા હતા. જ્યારે તેના પૂત્ર જયસુખભાઈ હાલમાં કેન્સર હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
