રાજ્યના પૂર્વ મંત્રી અનિલભાઇ પટેલનું નિધન, પીએમ મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ
Live TV
-
રાજ્યના પૂર્વ ઉદ્યોગમંત્રી અનિલભાઇ પટેલનું નિધન, પીએમ મોદી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે ટ્વીટ કરી અર્પી શ્રદ્ધાંજલિ
ગુજરાત રાજ્યના પૂર્વ ઉદ્યોગમંત્રી અનિલભાઈ પટેલનું અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બિમારીથી ગ્રસ્ત હતા. મહેસાણાના ધારાસભ્ય તરીકે બે વાર ચૂંટાયેલા અનિલભાઈ પટેલે તેમની પહેલી ટર્મમાં રાજ્યના ઉદ્યોગમંત્રી તરીકે વાઈબ્રન્ટ સમિટ સહિત અનેક સરકારી કામોમાં સફળતા પૂર્વક પોતાની ક્ષમતા પૂરવાર કરી હતી. તેઓ ગણપત વિદ્યાનગર પરિવાર ઉમિયા માતા સંસ્થાન મહેસાણા અર્બન કો. ઓપરેટીવ બેંક ધરતી વિકાસ મંડળ તેમજ એપોલો ઇન્ડસ્ટ્રીજ સાથે સંકળાયેલા હતા. તેઓના નિધનથી એમના વતનના ગામ લણવાના ગ્રામવાસીઓ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
અનિલભાઇના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પી છે. પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું છે કે, અનિલભાઈ પટેલ એક ઉત્કૃષ્ટ જાહેર સેવક હતા જે ગુજરાતને પ્રેમ કરતા હતા. તેમણે પ્રધાન, ધારાસભ્ય, ઉદ્યોગપતિ અને શિક્ષણવિદ્ તરીકે રાજ્યના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. તેમના વિવેકપૂર્ણ વ્યક્તિત્વને હંમેશાં યાદ રાખવામાં આવશે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે દુખ વ્યક્ત કર્યું છે. આનંદીબહેન પટેલે ટ્વીટ કરતા લખ્યું કે, ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી અનિલભાઇ પટેલના નિધનના સમાચાર સાંભળી ખૂબ દુ:ખ થયું. પ્રભુ તેમની આત્માને શાંતિ અર્પે.