રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
Live TV
-
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ ગઇ. તેમાં નાગરિકોને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. જે અંતર્ગત મહિસાગર જિલ્લામાં જિલ્લા કલેક્ટર ભાવીન પંડ્યાની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સમિતિ ભાગ-1 અને ર ની બેઠક યોજાઇ ગઇ. આ બેઠકમાં અરજદારોની પડતર અરજીઓ, કચેરીની તપાસણી અને સરકારી કર્મચારીના બાકી પેન્શન કેસ જેવી વિવિધ બાબતો અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો કરાયા હતા.
ખેડા જિલ્લામાં આયોજીત જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં માર્ગ અને મકાનના કામો, સ્વચ્છતા, સિંચાઇના કામો તથા શાળામાં નવા વર્ગખંડો અંગે ઉપસ્થિત ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તો સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર કે.સી.સંપટે સરકારી કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ અને બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા સહિત અનેક મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. જ્યારે નર્મદા જીલ્લામાં પણ જિલ્લા સંકલન સમિતીની બેઠક યોજાઇ ગઇ. આ બેઠકમાં ડેડીયાપાડા અને નાંદોદના ધારાસભ્યોએ વિકાસના પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેનો ત્વરીત ઉકેલ લાવવા જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું.
