લાખો પ્રવાસી પક્ષીઓનું શિયાળાનું સરનામું એટલે કચ્છનું નાનું રણ
Live TV
-
કચ્છમાં આવેલ નાના રણમાં આશરે 5000 હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ વિસ્તારમાં દર વર્ષે શિયાળામાં હજારો કિલોમીટરનું અંતર કાપીને લાખો પ્રવાસી પક્ષીઓ આવે છે. આ વર્ષે પણ અહીં ફ્લેમિંગો, સ્પૂન બિલ, કુંજ, ટિલોર, પેરિગ્રીન ફાલ્કન, રણ ચકલી, નાઈટ જાર અને ડેમોલિન જેવા અલગ અલગ જાતનાં પક્ષીઓ આવ્યા છે. આ બધા યુરોપિય પક્ષીઓ અહીં લગભગ ચાર મહિના જેટલું રોકાતા હોય છે. કચ્છનાં નાના રણનો આ વિસ્તાર જંગલી ગધેડા જે ઘુડખર તરીકે ઓળખાય છે, તેના અભ્યારણ્ય તરીકે આરક્ષિત છે. અહીં આ પક્ષીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એમ અભ્યારણ્ય દ્વારા જ કાળજી લેવામાં આવે છે. આમ તો આ સમયે આ રણમાં હજારો પ્રવાસીઓ રણની મુલાકાત લેતા હોય છે પરંતુ આ વર્ષે પહેલા કોરોના અને ત્યાર બાદ બર્ડફ્લૂનાં કારણે પ્રવાસીઓ માટે અત્યારે પ્રવેશ બંધ છે. આ સમયે યુરોપિય દેશોમાં વધુ ઠંડી અને બરફ હોય છે જેથી આ પક્ષીઓને ત્યાં પુરતો ખોરાક મળતો નથી માટે આ બધા પક્ષીઓ અહીં આવે છે, અહીંનું વાતાવરણ પણ એમને અનુકૂળ આવે છે, એટલા માટે જ આ લાખો પ્રવાસી પક્ષીઓનું શિયાળાનું સરનામું આ કચ્છનું નાનું રણ બની રહે છે.
