સમાજમાં પરિવર્તન લાવવા મનનું પરિવર્તન લાવવું ખૂબ જરૂરી : રાજયપાલ ઓ.પી.કોહલી
Live TV
-
ગાંધીજી પર્યાવરણનો મર્યાદિત ઉપયોગ કરવાનો આગ્રહ રાખતા હતા, તેવું આજરોજ ગુજરાત વિધાપીઠ, સાદરા ખાતે યોજાયેલ યુવા પ્રોત્સાહન વ્યાખ્યાન કાર્યક્રમમાં રાજયપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું.
પર્યાવરણનું રક્ષણ કરવાનું કાર્ય એક ફેશન બની ગયું છે. વિકાસ તથા આર્થિક સમૃઘ્ઘિના લોભમાં પર્યાવરણનો અવિવેકી રીતે ઉપયોગ થાય છે. રાજયપાલ ઓ.પી.કોહલીએ યુવાનોને ગાંધીજીના જીવન અંગેની વિવિધ રસપ્રદ વાતો કરતા જણાવ્યું હતું કે, ગાંધીજી એવું માનતા હતા કે, પર્યાવરણ ભોગવાનો અધિકાર પશુ-પક્ષીઓનો પ્રથમ છે. તે પછી મનુષ્યનો છે. શિક્ષણ રોજગારી પેદા કરી શકતી નથી, તેવી વાતો આપણે સૌ કરીએ છીએ. પરંતુ ગાંધીજીએ શિક્ષાને શ્રમ આધારિત બનાવવાની વાત પર ભાર મુક્યો છે. આ વાતને આજે પણ આપણે ધીમે ઘીમે અને બીતા બીતા સ્વીકારતા હોય તેવું લાગી રહ્યું છે. કચેરી, ન્યાયલય, શિક્ષણમાં આઝાદીના આટલા વર્ષબાદ પણ રાષ્ટ્રીય ભાષા હિન્દી કરતાં વધુ અંગ્રેજી ભાષા વપરાય છે. આપણે એવું માની છીએ કે, અંગ્રેજી સિવાય નહિ ચાલે. કેટલાક લોકો એવું કહે છે કે ગાંધીજી મશીન અને ટેકનોલોજી વિરોધી હતા, પરંતુ ગાંધીજી મશીન કે ટેકનોલોજી વિરોધી ન હતા. તેઓ મનુષ્યને બેકાર કરતા હોય તેવા જ મશીન અને ટેકનોલોજીનો વિરોધ કરતાં હતા. રાજનીતી સ્વતંત્રતા પ્રાપ્ત થઇ તે યાત્રાનો એક પળાવ છે. તેવું કહી રાજયપાલએ ગાંઘીજીના સ્વતંત્રતા સ્વરાજ વચ્ચેની પાતળી ભેદ રેખાની દષ્ટાંત પૂર્વક વાત કરી હતી. રાજનીતીમાંથી ઘર્મ અને નીતી કાઢી નાખવામાં આવશે તો આજનું રાજકરણ જોવા મળશે. જેથી રાજનીતીને ધર્મ આધારિત અને નીતી આધારિત બનાવું પડશે. સ્વરાજ લાવવા માટે યુવાનાએ શું કરવું પડશે, તેની વાત કરીને રાજયપાલએ જણાવ્યું હતું કે, ગાંધીજીએ હિંદ સ્વરાજ પુસ્તકમાં પશ્વિમી સંસ્કૃતિ અને ભારતીય ઘર્મ આધારિત સંસ્કૃતિની તુલના કરીને પશ્વિમી સંસ્કૃતિના ઘાતક પરિણામો પર ફોકસ કર્યું છે. યુવાનોને ભારતીય સંસ્કૃતિ સાથે જીવનનો વિકાસ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. સ્વદેશી અપનાવા યુવાનોને અનુરોધ પણ કર્યો હતો.
મેરે સ્વપ્નો કા ભારત પુસ્તકમાં ગાંધીજી કેવા ભારતનું નિર્માણ કરવા માંગતા હતા, તેની વાત કરી છે, રાજયપાલ ઓ.પી.કોહલીએ કહ્યું હતું. કે, ગાંધીજી એવું કહેતા હતા કે જયારે ભારતમાંથી ગરીબી, નિરક્ષરતા અને વિષમતા દૂર થશે તો ભારત સ્વતંત્ર થયું ગણાશે. દેશનું પુન: નિર્માણ કરવાનું આઝાદ બાદ નક્કી કરવામાં આવ્યું છે. ગાંધીજીના વિચારો સાથે દેશનું પુન:નિર્માણ કરવામાં આવશે, તો કેવા ભારતનું નિર્માણ થશે તેની રસપ્રદ વાત કરી હતી. ગાંધીજી રચનાત્મક કાર્યોમાં માનતા હતા, તેવું કહી રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, કોઇ પણ સમાજ રચનાત્મક કાર્ય સિવાય ટકી શક્તો નથી. આપણે રાષ્ટ્રપિતાના રચનાત્મક કાર્યો ભુલી ગયા છીએ તેવી ટકોર પણ કરી હતી. રાજનીતીની વાતો કરી છીએ પણ સમાજ સુધારોના કામ છોડી દીધા છે. આજના સમયમાં સામાજિક સુધારાના કાર્યો ગૌણ બની ગયા છે અને રાજનીતી મુખ્ય બની ગઇ છે. આપણે ગાંધીજીના સમરસતા માર્ગ પરથી ભટકી ગયા છીએ. ગાંધીજી હમેશા માનસિક અને મનનું પરિવર્તન માંગતા હતા. સમાજમાં પરિવર્તન લાવવા માટે માનસિક અને મનનું પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે. ગાંધીજીને સ્વેદશી ખૂબ જ ગમતું હતું. તેઓ બાહ્ય અને આંતરિક વ્યક્તિત્વ પણ સ્વદેશી હતું. આવું સ્વેદશી વ્યક્તિત્વ શિક્ષણ, રાજનીતી, વિકાસ, ભાષામાં, આર્થિક રચનામાં, પહેરવામાં અને વિચારોમાં દેખાવું જોઇએ. ગાંધીજીના વિચારાની સાર્થકતા સમજી તેને જીવનમાં ઉતારવાની કોશિષ કરવી જોઇએ. ગાંધીજીના વિચારો અપ્રાસંગિક થઇ ગયા તેવી ખોટી વાત ન કરવા અને ન સાંભળવા અનુરોધ કર્યો હતો સ્વતંત્રતા આપણને મળી છે, સ્વરાજ મેળવવાનું બાકી છે, તેવું કહી ગુજરાત વિધાપીઢના કુલપતિ ઇલાબેન ભટ્ટે સ્વરાજ કેવું હોય તેની વાત કરી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાપીઢના કુલ સચિવ રાજેન્દ્રભાઇ ખીમાણી અને વિધાપીઠનો સ્ટાફ પરિવાર અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.