સિલ્વર સ્પીરીટ નામનું જહાદ વિદેશ પ્રવાસીઓ સાથે પોરબંદર પહોચ્યુ, કરાયુ ભવ્ય સ્વાગત
Live TV
-
500 જેટલા સિનીયર સિટીઝનો કીર્તિમંદિર ખાતે પહોંચ્યા હતા ત્યારે કીર્તિમંદિર સંચાલન સમિતિ દ્વારા ભારતીય પરંપરા મુજબ કુમકુમનું તિલક કરી સુતરની આંટી પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મનું ગામ હોવાથી અહીંયા અવારનવાર વિદેશી ક્રુઝોમાં હજારો પ્રવાસીઓ આ શહેરની મુલાકાત લેતા હોય છે ત્યારે "સિલ્વર સ્પીરીટ ક્રુઝના 500 વિદેશી પ્રવાસીઓ પોરબંદરના મહેમાન બન્યા હતા, તેમાં તમામ પ્રવાસીઓ સીનીયર સીટીઝન એટલે કે 60 વર્ષથી ઉપરના છે અને તેઓએ ગાંધી જન્મસ્થાન કીર્તિમંદિર ઉપરાંત સુદામામંદિર વગેરે સ્થળોની મુલાકાત લઈને ગાંધીજીના વિચારો આજે પણ જીવંત હોવાની અનુભૂતિ કરી હતી.અરબી સમુદ્રના કિનારે આવેલા પોરબંદર શહેરમાં અવારનવાર દેશી-વિદેશી પ્રવાસીઓ હજારોની સંખ્યામાં ઉમટી પડે છે, ત્યારે યુરોપીયન દેશોમાંથી ભારતના પ્રવાસે આવેલી અદ્યતન સગવડ ધરાવતી મોટી ક્રુઝ "સિલ્વર સ્પીરીટ પોરબંદરના બંદર ઉપર આવી ત્યારે પ્રવાસન વિભાગના અધિકારીઓ દ્વારા કુમકુમ તિલક કરીને 500 જેટલા સિનીયર સિટીઝન પ્રવાસીઓનું ભવ્ય સ્વાગત ઢોલ-શરણાઈના તાલે કરવામાં આવ્યું હતું. તેઓનું ગુજરાત પ્રવાસન નિગમ લી.ના પોરબંદર ટુરીસ્ટ બંગલોના અધિકારીઓના માર્ગદર્શન નીચે ઢોલનગારા સાથે ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. બહેનોએ પરંપરાગત પહેરવેશમાં તેઓના લલાટ ઉપર કુમ-કુમ તિલક દ્વારા બંદર ઉપર આવકાર્યા હતા. એટલું જ નહીં પરંતુ પ્રવાસી સાહિત્યની કીટ આપવાની સાથોસાથ તેઓનું સુતરની આંટી વડે સ્વાગત કરવામાં આવતા પ્રવાસીઓ ભાવવિભોર બની ગયા હતા.અને ત્યારબાદ આ સિનીયર સિટીઝન પ્રવાસીઓ માટે ખાસ વાહનની વ્યવસ્થા કરી આપવામાં આવી હોવાથી તેમાં બેસીને પ્રવાસીઓ ગાંધી જન્મસ્થાન કીર્તિમંદિર તથા ભક્ત સુદામાજીના મંદિર, તારા મંદિર, ભારત મંદિર, સાન્દીપનિ શ્રી હરિમંદિર, મોકર સાગર, કર્લી બર્ડ વોચીંગ સેન્ટર સહિતના પર્યટન સ્થળોની અને રમણીય ચોપાટીની મુલાકાત લીધી હતી. પોરબંદરના પ્રવાસન વિભાગ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ સ્થળ ઉપર જઇને પુરૂ પાડવામાં આવ્યું હતું.