સુરેન્દ્રનગરમાં આરંભાયું વૃક્ષ ઉછેર અભિયાન; શહેરમાં વિવિધ જગ્યાઓ પર વૃક્ષારોપણ કરાયું
Live TV
-
કોરોનાકાળની બીજી લહેર દરમિયાન લોકોને ઓક્સિજનની અછત સર્જાઇ હતી. ત્યારે ઓક્સિજનનો કુદરતી સ્ત્રોત ગણાતા એવા વૃક્ષોનું હાલ લોકોને મહત્વ સવિશેષ સમજાયું છે. આ અંગે જયારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લે થયેલી વૃક્ષ ગણતરી મુજબ જિલ્લામાં એક હેક્ટર દીઠ માંડ ૩ થી ૪ વૃક્ષો નોંધાયા હતા. જેનું પ્રમાણ રાજ્યમાં સૌથી ઓછુ છે. ત્યારે સુરેન્દ્રનગરને વૃક્ષોની સભર તેમજ સુંદરનગર બનાવવાની નેમ સાથે ડો.નિર્મલા ચુડાસમા અને તેમની ટીમ દ્વારા એક મહત્વનું સમાજ ઉપયોગી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત રાજકોટના સદભાવના વૃધ્નાધાશ્રના સહયોગથી શહેરમાં વધુમા વધુ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ અભિયાનમા માત્ર વૃક્ષોનું વાવેતર જ નહી, પરંતુ સતત ત્રણ વર્ષ સુધી તેનુ જતન પણ કરવામાં આવશે. એક વૃક્ષના વાવેતર અને ઉછેર પાછળ રૂ. 1800 નો ખર્ચ થાય છે, ત્યારે શહેરીજનોને આ અભિયાન અંતર્ગત આવકારવામાં આવ્યા છે. જો કોઈ શહેરીજન વૃક્ષોનું વાવેતર અને તેનું 3 વર્ષ સુધી જતન કરવા ઇચ્છતા હોય તો કુલ ખર્ચનો અડધો ભાગ સંસ્થા દ્વારા ભોગવવામાં આવશે. આ અભિયાનના ઉપક્રમે શહેરના રિવરફ્રન્ટ, અમદાવાદ રોડ સહિત વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
