12 વર્ષની આર્યાએ 5 વર્ષમાં 8 પુસ્તકો લખ્યા, 'seeds to sow' પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે થયું વિમોચન
Live TV
-
નવસર્જનની શરૂઆત નાના કાર્યો અને પહેલથી જ થાય છે. ક્યારેક તમારા દ્વારા કરાયેલ નાની પહેલ ક્રાંતિનું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. જીવનમાં ધ્યેય પ્રાપ્તિ માટે શરૂ કરાયેલ પ્રારંભને અધૂરું ન મૂકી તેને અંત એટલે કે પરિણામ સુધી જરૂરથી પહોંચાડવું જોઇએ. આ વિચારો છે અમદાવાદ શહેરની 12 વર્ષની લેખિકા આર્યા ચાવડાનાં. અમદાવાદ શહેરનાં થલતેજ વિસ્તારમાં રહેતી આર્યાની પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. હરવા-ફરવા મોજ મસ્તી કરવા ઉંમરમાં આર્યાએ વિવિધ જનકલ્યાણ અને સમાજકલ્યાણ અને કહીએ તો વિશ્વ કલ્યાણના વિષયો ઉપર 8 જેટલા પુસ્તકો લખી ચૂકી છે. એટલું જ નહીં આર્યા એક સારી ચિત્રકાર અને વક્તા પણ છે.
આર્યાએ પોતાના પુસ્તક 'seeds of hope' અને 'seeds to sow' માં આજે સમગ્ર વિશ્વ જે ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યું છે તેના વિશે ખૂબ જ ઉંડાણપૂર્વક વાતને રજૂ કરી છે. આર્યા જણાવે છે કે, જ્યારે કોવિડ-19 ની શરૂઆત થઇ ત્યારે તેણે એમેઝોન અને ઓસ્ટ્રેલિયાનાં જંગલોમાં લાગેલી આગનાં કારણે લાખો નિર્દોષ વન્યજીવ માર્યા ગયાના અહેવાલ સમાચારમાં વાંચ્યા અને સાંભળ્યા. અસંખ્ય વનસ્પતિ સૃષ્ટિ નાશ પામી અને પર્યાવરણને ઘણું નુકસાન થયું. આ વાંચતાની સાથે જ આર્યાને પ્રશ્ન ઉદભવ્યો કે કદાચ પર્યાવરણને થતા નુકસાન માટે મનુષ્યનો પ્રકૃતિમાં હસ્તક્ષેપ જવાબદાર છે અને યોગ્ય પગલાં અને નિર્ણયો દ્વારા તેને રોકી શકાય છે. આ વિચાર બિંદુની સાથે 'seeds of hope' પુસ્તકનું નિમાર્ણ થયું. જેમાં આર્યાએ પ્રકૃતિને થતા નુકસાન અંગે વાત કરીને તેને બચાવવાના ઉપાયો પણ રજૂ કર્યા છે.
આર્યાએ લોકોને પર્યાવરણનું મહત્વ સમજાવવા માટે ઇકો-સિસ્ટમ ઉપર 'seeds to sow' પુસ્તક લખ્યું છે. જેનું વિમોચન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામા આવ્યું હતું. આ પુસ્તકમાં આર્યાએ પર્યાવરણને બચાવવાની વાતો કરવાથી કંઈ નહીં થાય પરંતુ એના માટે ચોક્કસ નક્કર પગલાં લેવા પડશે જે સંદર્ભે પ્લાસ્ટિકનું રિસાયકલ ઉપયોગ, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, સ્વચ્છતા વગરે જેવા વિષયને પુસ્તકમાં આવરી લીધા છે. આર્યા કહે છે કે, આ પૃથ્વી પર વસતા તમામ પશુ, પક્ષી અને માનવી સમાન હક્ક ધરાવે છે. ધરતીની જાળવણી અને રક્ષણ માટેની જવાબદારીની સમાન ભાવના હોવી જોઇએ. આર્યાએ ઇકો ગ્રીન દિવાળી કેમ્પેઇન પણ ચાલુ કર્યું છે. જે આજે ઘણા બધા લોકોથી જોડાઇને આ કેમ્પેન આગળ વધી રહ્યું છે. માત્ર પર્યાવરણ જ નહિ પરંતુ અત્યારના આધુનિક સમાજને સ્પર્શતા વિષયો ઉપર પણ આર્યા પોતાના પુસ્તકો લખી ચૂકી છે.
આર્યા અનેક સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓમાં વ્યાખ્યાન આપી ચૂકી છે. આ ઉપરાંત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ્સ પર ભારતીય સંસ્કૃતિ અને વારસાનાં પ્રચાર-પ્રસાર અંગે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. આર્યાની પ્રકૃતિ જાળવણીની વિવિધ પહેલથી પ્રભાવિત થઇને UNICEF દ્વાર પણ આર્યાનાં વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 2019 માં ફક્ત નવ વર્ષની ઉંમરે આર્યાએ પેરિસ સ્થિત વર્લ્ડ હેરિટેજ કમિટી અઝરબૈજાનનાં બાકુમાં 43માં સમારોહમાં 180 દેશના 2500 રાજદ્વારીઓ સામે પોતાનું હેરિટેજ અંગેનું કલા અને કૌશલ્યની પ્રતિભા દેખાડી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાતનાં ભૂતપૂર્વ રાજ્યપાલ ઓ.પી.કોહલી, અને વિવિધ મંત્રીઓએ આર્યાના પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસાની જાળવણીના અનોખા કાર્યને બિરદાવ્યું છે.
