GTU દ્વારા 2021ના અંત સુધી 1 લાખથી વધુ વૃક્ષો વાવવાનો નિર્ધાર કરાયો
Live TV
-
પર્યાવરણનું જતન કરવું એ આપણા સૌની મૂળભૂત ફરજ છે. આયુર્વેદમાં ઉપયોગી તમામ પ્રકારના વૃક્ષોનું વાવેતર જીટીયુ ખાતે કરવામાં આવ્યું છેઃ શંભુજી ઠાકોર
શરદી , તાવ , એસીડીટી , દમ , પાચનતંત્રના રોગ , ડાયાબિટીસ , મૂત્રરોગ , ચામડીના રોગો , અને વિવિધ વાઈરલ ઈન્ફેક્શનમાં ઉપયોગી હરડે, આમળા, ગીલોઈ , સીતા અશોક , સત્વારી, બહોનીયા, નગોળ , વિકડો, તેતુ , દૂધલો , પાદર , બ્રાહ્મી , અરડૂસી, જેવા વિવિધ ઔષધીય વૃક્ષો અને છોડનું વાવેતર કરવામાં આવ્યું.
સમગ્ર વિશ્વ ક્લાઈમેટ ચેન્જનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાય દાયકાઓથી માનવજાત દ્વારા પર્યાવરણની ઈકો સીસ્ટમનું હનન થઈ રહ્યું છે. જેના કારણે પર્યાવરણની ઈકો સાઈકલમાં મદદરૂપ થતાં કેટલાય સજીવો નાશવંત પામ્યા છે. આ ઉપરાંત માનવજાતના અસ્તિત્વ માટે અત્યંત જરૂરી હવા , પાણી અને ખોરાક વગેરે દૂષીત થયા છે. માનવજાતની બાયોલોજીકલ સાયકલમાં ભંગાણ પડવાના કારણોસર સમગ્ર વિશ્વને કોવિડ-19 જેવી મહામારીનો સામનો કરવાનો સમય આવ્યો છે. આ પ્રકારની વૈશ્વિક સમસ્યાના નિરાકરણ માટે ઘનિષ્ઠ વનનું નિર્માણ કરવું ખૂબ જ જરૂરી છે. જે અર્થે જૂન-2021 થી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના(જીટીયુ) સ્પોર્ટ્સ વિભાગ દ્વારા પર્યાવરણ સંરક્ષણ હેતુ જીટીયુ કેમ્પસ ખાતે 3 ફેઝમાં ધનિષ્ઠ વનનું નિર્માણ કરીને જીટીયુ કેમ્પસ અને સંલગ્ન સંસ્થામાં ડિસેમ્બર 2021 સુધી 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્ય રખાયું છે. છેલ્લા 2 મહિનાના સમયમાં જ 6700થી વધારે વૃક્ષોનું વાવેતર જીટીયુ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ઔષધીય , ફળાઉ તેમજ પર્યાવરણનું સંતુલન જાળવતાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. કેચ ફાઉન્ડેશન અને આરોગ્ય ભારતી જેવી સેવાભાવી સંસ્થાના સંલગ્ન પ્રયાસથી જીટીયુ ખાતે ઘનિષ્ઠ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. પર્યાવરણ પ્રેમી અને ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોરે આ સંદર્ભે જણાવ્યું હતું કે, પર્યાવરણનું જતન કરવું એ આપણા સૌની મૂળભૂત ફરજ છે. આયુર્વેદમાં ઉપયોગી તમામ પ્રકારના વૃક્ષોનું વાવેતર જીટીયુ ખાતે કરવામાં આવ્યું છે. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન .ખેરે પણ સંલગ્ન સંસ્થાના તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને બહોળી સંખ્યામાં વૃક્ષારોપણ કરવા માટે જણાવ્યું હતું. જીટીયુના આ ભગીરથ કાર્યમાં, આરોગ્ય ભારતી ગુજરાત પ્રાંતના શ્રી ભરતભાઈ કોરાટ, કેચ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી ભરતભાઈ સિસોદિયા સહિતના અગ્રણીઓ તેમજ HDFC અને ONGC જેવા એકમો દ્વારા પણ ઘનિષ્ઠ વનના નિર્માણ માટે સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે.
વધુમાં જીટીયુ સ્પોર્ટ્સ ઑફિસર ડૉ. આકાશ ગોહિલે જણાવ્યું હતું કે, જીટીયુમાં ચાલતાં ઘોડિયાઘરના નાના બાળકોથી લઈને તમામ સ્ટાફ દ્વારા આ અભિયાનને સહર્ષે વધાવી લઈને સહભાગી થયા છે. જાપનીઝ પદ્ધતિ મીયાવાંકી દ્વારા આ પ્રકારના ધનિષ્ઠ વનના નિર્માણ માટે સૌ પ્રથમ 2500 સ્ક્વેર ફૂટમાં 2000 વૃક્ષો વાવવામાં આવ્યા હતાં. તાજેતરમાં પણ 5000 સ્ક્વેર ફૂટ ક્ષેત્રફળ ધરાવતાં વિસ્તારમાં ઔષધીય આયુર્વેદિક ધનિષ્ઠ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી દિવસોમા 1 એકર ક્ષેત્રફળમાં ફળ-ફળાદી વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. તેમજ પ્રાયોગીક ધોરણે ઓર્ગેનિક શાકભાજી પણ ઉગાડવવામાં આવશે. ઔષધીય ધનિષ્ઠ વનમાં બિલિપત્ર, સફેદ મૂશળી , આંબો સિંદૂર , સીસમ , નગોળ , સત્વારી, જાંબુ , બહોનિયા , મહુડો , વિકડો, ગુગળ , સીતા અશોક , દૂધલો , પાદર , હરડે, આમળા, બોરસલી, ગીલોઈ અને જાંબુ, આંબળા, પારીજાત જેવા ઔષધીય વૃક્ષોનું વાવેતર સહિત વડલો , પીપળો, ઉમરો, લીમડો, કદમ , ગુલમોહર બદામ, ,ગુંદર, સેતુર, જામફળ, સીતાફળ, દાડમ જેવા ફળાઉ વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે, ઉપરયુક્ત ઔષધીય વૃક્ષો અને છોડનો ઉપયોગ શરદી , તાવ , એસીડીટી , દમ , પાચનતંત્રના રોગ , ડાયાબિટીસ , મૂત્રરોગ , ચામડીના રોગો , સ્ત્રી રોગ , સાંધાના દુખાવો તેમજ વિવિધ વાઈરલ ઈન્ફેક્શનમાં શ્રેષ્ઠ ઉપચાર તરીકે વપરાય છે. આ પ્રકારના વૃક્ષો વાવીને પ્રકૃતિનું નવસર્જન કરવા માટે જીટીયુ દ્વારા પહેલ કરવામાં આવી છે. આગામી સમયમાં જીટીયુ સંચાલિત મહેસાણા સ્થિત જીપેરી ખાતે પણ 5000 વૃક્ષો વાવીને ધનિષ્ઠ વન બનાવવામાં આવશે. આ ઉપરાંત વર્તમાનમાં વાવેલા વૃક્ષનું જતન થઈ શકે તે માટે જીટીયુના વિદ્યાર્થીઓ અને સ્ટાફના કર્મચારીઓ દ્વારા વાવેલા વૃક્ષને 5 વર્ષ માટે દત્તક લેવવામાં આવેલ છે. વૃક્ષની માવજત યોગ્ય પ્રકારે થાય તે માટે કેચ સંસ્થા દ્વારા જીટીયુને સહયોગ પૂરો પાડવામાં આવે છે. વૃક્ષના વિકાસ માટે બાયો - વેસ્ટ અને છાણીયા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. સંલગ્ન દરેક સંસ્થા ખાતે પણ ઘનિષ્ઠ વન બનાવવા માટે જીટીયુ દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવ્યા છે. જેના થકી વર્ષના અંત સુધી 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
