અમદાવાદમાં 2-3 માર્ચે નોનસ્ટોપ 36 કલાક યોજાશે હેકાથોન
Live TV
-
અમદાવાદમાં બીજી અને ત્રીજી માર્ચે 36 કલાકની નોન-સ્ટોપ હેકાથોન યોજાશે. જેમા બે આઈઆઈટી અને એક એનઆઈટી ઈન્સ્ટીટયૂટ સહિત દેશની અન્ય 29 ટેકનિકલ કોલેજોનાં વિદ્યાર્થીઓની ટીમો ભાગ લેશે. જેમાં 200 થી વધારે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ઈસરોની સમસ્યા ઉકેલવા પોતાના પ્રોજેક્ટનું નિદર્શન કરશે.
આ ઉપરાંત સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઈસરો કેન્દ્રસ્થાને રહેશે. જેના અંતર્ગત દેશભરના 12 રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને 28 પ્રોફેસરો પણ જોડાશે અને ઈસરોએ આપેલા સાત જેટલા પ્રોજેક્ટની સમસ્યા હલ કરવા માટે પોતાના પ્રોજેક્ટ રજૂ કરશે.
વિશ્વની સૌથી મોટી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2019 દેશના 48 નોડલ સેન્ટરોમાં એક સાથે યોજાશે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ થી વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. અમદાવાદમાં ઈસરો સામેના શિવાનંદ આશ્રમમાં યોજાનારી હેકાથોનમાં ગુજરાતનાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
ઈસરો માટે અમદાવાદમાં યોજાનારી હેકાથોનમાં રાજસ્થાનની 5, તામિલનાડુ અને પોંડિચેરીની ચાર-ચાર, મહારાષ્ટ્ર અને છત્તીસગઢની ત્રણ-ત્રણ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કોઇમ્બતુર અને પશ્ચિમ બંગાળ ની બે-બે ટીમો તેમજ મધ્યપ્રદેશ અને દિલ્હીની એક એક ટીમો ભાગ લેશે. આ ટીમોને ઈસરો તરફથી જુદી જુદી સાત સમસ્યાઓ આપવામાં આવી છે.