કચ્છમાં રાજ્યનો સૌપ્રથમ આધુનિક સોલાર આધારિત સરહદ ડેરી કેટલફીડ પ્લાન્ટ શરૂ કરાયો
Live TV
-
કચ્છ જિલ્લામાં અંજાર તાલુકાના ચાંદરાણીમાં રાજ્યનો સૌપ્રથમ આધુનિક સોલાર આધારિત સરહદ ડેરી કેટલફીડ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. 55 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અને દરરોજ 300 મેટ્રિક ટન પશુ આહારનું ઉત્પાદન કરતા આ પ્લાન્ટને સોલાર શક્તિથી ચલાવવામાં આવશે. અહીં, 300 મેટ્રિક ટન એટલે કે 15 મોટી ગાડીઓ જેટલું ઉત્પાદન અહીં દરરોજ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે ખાણદાણના ઉત્પાદન માટે મોટા પ્રમાણમાં મજૂર વર્ગ અને અધિકારી વર્ગ જોઈએ, પરંતુ અહીં માત્ર ત્રણ અધિકારીઓ દરરોજ 300 મેટ્રિક ટન ઉત્પાદન સાથે આ પ્લાન્ટ ચલાવી રહ્યા છે. જો કે, આ આખો પ્લાન્ટ ઓટોમેટિક છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર કેટલફીટ પ્લાન્ટના ઉદ્ઘાટન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોલાર પેનલથી ચાલતા પ્લાન્ટ બનાવવામાં આવે તો વીજળીની બચત થાય અને ડેરી ઉદ્યોગને ફાયદો થાય તેવું સૂચન કર્યું હતું. પ્રધાનમંત્રીના આ સૂચનને ધ્યાનમાં રાખી આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. અત્યારે આ પ્લાન્ટમાં પ્રોટિન, ફાઈબર, મિનરલ, કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામીન વગેરે જેવા જરૂરી પોષકતત્ત્વો ધરાવતા પશુ આહારનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ આધુનિક કેટલફીડ પ્લાન્ટ દ્વારા મકાઈ, કપાસિયાં ખોળ, ચોખાની ભૂસી રાયડાનો ખોળ, મગફળીનો ખોળ, કેલ્સાઈટ પાઉડર, વિટામીન અને મોલાસીસ વગેરે બનાવવામાં આવે છે. આ પ્લાન્ટમાં ઉત્પાદિત થતા પશુઆહારથી પશુઓની તંદુરસ્તી જળવાઈ રહે છે તથા દૂધ ઉત્પાદન ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.