ચંદ્રયાન-3ના લેન્ડરમાંથી નીકળીને રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર ઉતરી ગયું છે
Live TV
-
ચંદ્રયાનના સફળ લેન્ડિંગ પછી લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવર પોતપોતાના કામે લાગી ગયા છે. ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાથી નીકળીને રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર ઉતરી ગયું છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઈસરોએ માહિતી આપી છે કે સ્વદેશી રીતે નિર્મિત અને ચંદ્ર માટે બનાવવામાં આવેલ રોવર પ્રજ્ઞાને ચંદ્રની સપાટી પર ચાલવાનું અને માહિતી લેવાનું શરૂ કરી દીધું છે.ભારતીય અવકાશ કાર્યક્રમમાં આ એક મહત્વપૂર્ણ સફળતા છે. ઈસરોએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી કે રોબોટિક વ્હીકલ રોવર છ પૈડા ધરાવે છે. તે ચંદ્રમાની સપાટી પર ચાલીને તસવીરો ખેંચશે. તે પ્રતિ સેકંડ 1 સેન્ટિમીટરની ચાલથી સપાટી પર ચાલશે. કેમેરાની મદદથી ચંદ્ર પર હયાત વસ્તુઓનું સ્કેનિંગ થશે. ચંદ્ર પર કેવું હવામાન રહે છે તેની જાણકારી મળશે. ચંદ્ર પરના આયન્સ અને ઇલેક્ટ્રોનની માત્રાની પણ જાણકારી મેળવવામાં આવશે.ભારતના વિક્રમ લેન્ડરે ગઇકાલે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ કર્યું હતું અને સીએચ-3 લેન્ડર અને મોક્સ- ઇસ્ટ્રેક વચ્ચે સંદેશાવ્યવહાર શરૂ થયો હતો. રોવરના છ પૈડાએ ચંદ્રની સપાટી પર રાષ્ટ્રધ્વજ, અને ઈસરોનો લોગો અંકિત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાન ઉતરનાર પ્રથમ દેશ બન્યો છે.