મહીસાગરના મુવાડા ગામના ખેડૂતે સુગંધિત ઔષધીય ઘાસની ખેતી કરી બીજા ખેડૂતોને નવતર રાહ ચીંધી
Live TV
-
ગ્રામીણ વિસ્તારોમાં કૃષિના ઋષિ અવનવી પ્રયોગશીલ ખેતી કરી નવતર રાહ ચીંધી રહ્યા છે. મહીસાગર જિલ્લાના ખાતુ પગીના મુવાડા ગામના ચીમનભાઈ પટેલ આવા જ એક ધરતીપુત્ર છે, જેમણે સુગંધિત ઔષધીય ઘાસની ખેતીનો પ્રયોગ કર્યો છે. કોરોના કાળમાં વૈજ્ઞાનિક તથા ઔધોગિક અનુસંધાન પરિષદ (CSIR) કેન્દ્રીય ઔષધીય એવમ સગંધ પૌધા સંસ્થાન (CIMAP)માં ઓનલાઈન ટ્રેનિંગ મેળવી, એસેંસિયલ ઓઇલ માટેનો પ્લાન્ટ તૈયાર કર્યો. તેમણે જીરેનિયમની ખેતી કરી પ્રારંભિક સફળતા મેળવી હાલ તેઓએ જામારોઝાની ખેતી કરી છે અને આગામી સમયમાં આ નવતર ખેતી માટે ખૂબ આશાવાદી છે. આવી ખેતી કરનાર જિલ્લાના પ્રથમ ખેડૂત છે.
ચીમનભાઈએ યુટ્યુબ પર સુગંધિત ઔષધીય ઘાસની ખેતીનો વિડીયો જોયો અને તેમને આ ખેતીમાં રસ પડયો. કેન્દ્ર સરકારની વૈજ્ઞાનિક તથા ઔધોગિક અનુસંધાન પરિષદ ( CSIR)કેન્દ્રીય ઔષધીય એવમ સગંધ પૌધા સંસ્થાન (CIMAP)નો સંપર્ક સાધ્યો.ત્યાંનાં કૃષિ વૈજ્ઞાનિકોનો સારો પ્રતિભાવ મળતાં કોરોના કાળ ચાલતો હતો તે સમયે ફી ભરી ઓનલાઈન તાલીમ મેળવી. તાલીમમાં જાણવા મળ્યું કે એરોમેટિક પ્લાન્ટમાં ખૂબ સારું કમાવવાનું છે એટલે પ્રથમ જીરેનિયમની ખેતી પસંદ કરી અને તેના રોપા કોપર ગામ મહારાષ્ટ્રથી લાવ્યા અને જીરેનીયમની ખેતી કરી. પ્રારંભિક જીરેનિયમની ખેતીમાં મુશ્કેલીનો અનુભવ કર્યો પરંતુ હિંમત હાર્યા વગર ખેતી કરી. એક એકરમાથી જીરેનિયમની ખેતીની આવક અંદાજે ચાર લાખ રૂપિયા થાય છે. પરંતુ ચીમનભાઈને જીરેનીયમની ખેતીમાં જે ફુલ આવવાની અવસ્થામાં ઓઇલ ના કાઢી શક્યા એટલે તેમને બે એકરમાંથી આઠ કિલો ઓઇલ મળ્યું અને એનો ભાવ બાર હજાર પાંચસો રૂપિયા મળ્યો હતો.
એરોમેટિક પ્લાન્ટમાં બીજા પ્લાન્ટ આવે છે પામારોઝા, જામારોઝા અને એ ખેતીમાંથી એક એકરમાં લગભગ ઉત્પાદન એક લાખ રૂપિયા મળે છે. પાંચ વર્ષ સુધી એ ખેતી ચાલે પાંચ વર્ષ સુધી ખેતીમાં કોઈ જ ખર્ચો કરવાનો નહીં એમાં કોઈ ખાતર કે કોઈ દવા નહીં, એનો કોઈ પણ પ્રકારનું ભૂંડ ના ખાય કે કોઈ ઢોર ના ખાય, આ એવી ખેતી છે કે જે તમને વગર ખર્ચે વગર ખાતર વગર દવાએ કોઈ પણ પ્રકારનો રોગ નહીં માત્ર ખર્ચો એક જ વખત કરવાનો. તેનું 1,900 થી 2,000 રૂપિયાનું બિયારણ લાવી એનું વાવેતર કરી શકાય.એમાંથી એકરમાં એક લાખનું ઉત્પાદન મળે છે.
તેમણે જે એસેંસિયલ ઓઇલ માટેનો પ્લાન્ટ તૈયાર કર્યો છે તેમાં નીલગીરીનું એસેંસિયલ ઓઇલ પણ નીકળે છે એનો માર્કેટ ભાવ લગભગ એક હજારથી બારસો રૂપિયા છે આયુર્વેદિક દવાઓ બને છે એવી રીતે પામારોઝાનું ઓઇલ પણ સૌંદર્ય પ્રસાધનની બાબતો જે સાબુ છે શેમ્પુ છે એ જે સૌંદર્ય પ્રસાધનમાં એનો ખૂબ ઉપયોગ થાય છે એ રીતે મેડિસિનલ પ્લાન્ટમાંથી દવાઓ બનાવવામાં આવે છે કેન્દ્ર અને સરકારની આ અંગે ઘણી યોજનાઓ છે તેની માહિતી મેળવી ખેડૂતો સારો લાભ લઈ શકે છે. મહીસાગર જિલ્લા ખેતીવાડી વિભાગે પણ આ પ્રયોગશીલ ખેડૂતની મુલાકાત લઈ સંભવ તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી તેમજ અન્ય ખેડૂતો તેમનાથી પ્રેરણા મેળવે તે માટે સંદેશ પણ પાઠવ્યો છે.