વલસાડ: સાઇબર ગુન્હાઓને નાથવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો કરાયો શુભારંભ
Live TV
-
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર ગુજરાતમાં 10 જેટલા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત વલસાડમાં પણ સાયબર પોલીસ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ ફેસબુક, વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા વિવિધ સોશિયલ મીડિયા પર સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે ભોગ બનનાર લોકોને ન્યાય મળે તેવા હેતુથી વલસાડ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લા પોલીસ અધીક્ષકની કચેરીમાં બીજા માળે શરૂ કરવામાં આવેલ આ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ત્રણ પી.એસ.આઈ સાથે લગભગ 16 પોલીસ જવાનો ફરજ બજાવશે. અત્રે મહત્વનું છે કે, વલસાડ જિલ્લામાં વિવિધ સરકારી અને ખાનગી બેંકોમાં ઓનલાઇન નાણાકીય વ્યવહાર અને ડિજિટલ પેમેન્ટની થતી લેવડદેવડ સમયે છેતરપીંડીના અનેક લોકો ભોગ બને છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે શરૂ કરવામાં આવેલ આ સાઇબર પોલીસ સ્ટેશનથી હવે સાયબર ક્રાઇમના ગુન્હા નાથવા માટે પીઠબળ મળશે.