ઓલમ્પિક્સ-2024 ને લક્ષ્યમાં રાખી ખેલો ઇન્ડિયા સેન્ટરમાં તાલીમ માટે 14 રમતોનો સમાવેશ કરાયો
Live TV
-
ભારત સરકારના રમત ગમત મંત્રાલય દ્વારા 'ખેલો ઇન્ડિયા યોજના' અંતર્ગત દેશભરમાં જિલ્લા કક્ષાએ ખેલો ઇન્ડિયા સેન્ટર શરુ કરવા માટે તાજેતરમાં જ અરજીઓ મંગાવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. આ ખેલો ઇન્ડિયા સેન્ટરમાં તાલીમ માટે ઓલમ્પિક્સ-2024 ને લક્ષ્યમાં રાખીને સાયક્લિંગ, હોકી, જૂડો, સ્વીમિંગ, કુસ્તી સહિતની 14 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ખેલો ઇન્ડિયા સેન્ટરમાં વધુમાં વધુ ત્રણ રમતો તથા રમતદીઠ ઓછામાં ઓછા 30 તાલીમાર્થીઓ હોય તેવી સંસ્થા અથવા ભૂતપૂર્વ ખેલાડીઓ આવા સેન્ટર શરૂ કરવા માટેનો લાભ મેળવી શકશે. તે માટે પ્રત્યેક રમત દીઠ રૂપિયા પાંચ લાખની શરૂઆતી સહાય આપવામાં આવશે. ત્યારબાદ જરૂરી સ્ટાફનું માનદ વેતન, રમતોના સાધનોની ખરીદી, સ્પોર્ટસ કીટ અને સ્પર્ધામાં ભાગ લેવા માટે થતાં ખર્ચ માટે રમતદીઠ વાર્ષિક પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
રાજ્યના માહિતી ખાતાના જણાવ્યા અનુસાર રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા યોગ્ય લાયકાત ધરાવતી શાળાઓ, સંસ્થાઓ તેમજ ભૂતપૂર્વ વિજેતા ખેલાડીઓ પાસેથી આ સંદર્ભે અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટેની અરજીઓ મોકલવાની છેલ્લી તારીખ 25-5-2021 સાંજે છ સુધી નક્કી કરવામાં આવી છે.
