ચાર દાયકા પછી ભારતમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું સત્ર યોજાશે
Live TV
-
ચાર દાયકા પછી ભારતમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું સત્ર યોજાશે. અગાઉ વર્ષ 1983માં નવી દિલ્હીમાં આ સેશન યોજાયું હતું. મુંબઈમાં યોજાનારા આગામી સત્રના આયોજનથી ભારત પોતાના ઓલિમ્પિકસનું આયોજન કરવાના સ્વપ્નની દિશામાં એક ડગલું આગળ વધાર્યું છે.
આઈઓસી કમિટીનું ભારતમાં આ બીજીવાર આયોજન થશે. વર્ષ 2019માં ઓગસ્ટમાં આઈઓસી સમિતિ જિયો વર્લ્ડ સેન્ટર જોવા માટે આવી હતી. આ સેન્ટર જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત માર્ચ 2022માં નક્કી થયું હતું કે મુંબઈ આ સત્રની યજમાની કરશે. સત્રમાં IOC સભ્યો ઓલિમ્પિક ચાર્ટર અને ઓલિમ્પિકના યજમાન શહેરની પસંદગી જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરે છે.
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની આગામી બેઠક મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. 2023 માં યોજાનારી આ વાર્ષિક બેઠકની યજમાની માટેના મતદાનમાં ભારતને માન્ય 76 મતોમાંથી 75 મત મળ્યા. બહુમતી સાથે હોસ્ટિંગ અધિકારો જીત્યા બાદ IOC સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ તેને ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી હતી.
IOC ની વાર્ષિક બેઠકની યજમાની મળવા પર ખુશી વ્યક્ત કરતાં નીતા અંબાણીએ કહ્યું કે "ઓલિમ્પિક મૂવમેન્ટ 40 વર્ષની રાહ જોયા પછી ભારતમાં પાછી આવી રહી છે. હું 2023માં મુંબઈમાં IOC સત્રની યજમાનીનું સન્માન ભારતને સોંપવા માટે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનો આભાર વ્યક્ત કરુ છું. આ ભારતીય રમતો માટે એક નવા યુગની શરૂઆત કરશે." નીતા અંબાણીએ ઓલિમ્પિક સત્ર 2023ના અવસર પર વંચિત સમાજના યુવાનો માટે વિશિષ્ટ રમત વિકાસ કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો.
