જામનગરમાં મેયર અને કમિશનર વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ
Live TV
-
ભારતનું પ્રથમ અને ઐતિહાસિક અજિતસિંહ ક્રિકેટ પેવેલિયન ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.
જામનગરના ઐતિહાસિક અજિતસિંહ ક્રિકેટ પેવેલીયન ગ્રાઉન્ડ ખાતે ડે-નાઇટ ઇન્ટર કોર્પોરેશન સિઝન બોલ T-20 ક્રિકેટ ટુર્નામેન્ટ "મેયર કપ" નો ગઇકાલે સાંજે દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના આઠ મહાનગરોના મેયર અને કમિશનર ઇલેવનની કુલ 16 ટીમો વચ્ચે સતત એક સપ્તાહ સુધી ક્રિકેટનો મુકાબલો જામશે. દરરોજ સમાજસેવા કરતા નગરસેવકો અને સરકારી કામકાજમાં વ્યસ્ત રહેતા કોપોરેશનના કર્મચારીઓ પણ મેદાનમાં બેટ-દડા સાથે પોતાના હાથ અજમાવતા જોવા મળ્યા હતા. હાલ ચાલી રહેલા આઇપીએલ દરમિયાન પણ જામનગરમાં મીની આઇપીએલ જેવો ફીવર જોવા મળ્યો હતો.
રાજ્યના આઠ મહાનગરોના મેયર અને કમિશનરે ઇલેવનની ટીમો વચ્ચે દર વર્ષે સિઝન બોલ T-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેનું યજમાન પદ આ વર્ષે જામનગર મહાનગરપાલિકાને મળ્યું છે. આ ટુર્નામેન્ટમાં રાજ્યના કુલ આઠ મહાનગરોની 16 ટીમો ભાગ લઇ રહી છે અને જામનગરનું આ ભારતનું પ્રથમ અને ઐતિહાસિક અજિતસિંહ ક્રિકેટ પેવેલિયન ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો મેચ નિહાળવા માટે આવી રહ્યા છે. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે કેબિનેટ મંત્રી આર.સી. ફળદુના હસ્તે ટોસ વિધિ કરી ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, અને આઠ મહાનગરોના પદાધિકારીઓ સહિત જામનગરના આગેવાનો પણ ઓપનિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર ખાતે તારીખ 8 થી લઈને તારીખ 14 સુધી મેયર કપ ટુર્નામેન્ટ ચાલશે. જેમાં દરરોજ ડે-નાઇટ T-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બે મેચ રમાડવામાં આવશે. ગઈકાલે ઉદ્ઘાટનના પ્રથમ દિવસે પ્રથમ મેચ જામનગર કમિશનર ઇલેવન અને ગાંધીનગર કમિશનર ઇલેવન વચ્ચે યોજાયો હતો. જેમાં જામનગર કમિશનર ઇલેવને ઝળહળતો વિજય થયો હતો, જ્યારે બીજો મેચ જામનગર મેયર ઇલેવન અને ગાંધીનગર મેયર ઇલેવન વચ્ચે યોજાયો હતો. જેમાં જામનગર મેયર ઇલેવનનો પણ ઝળહળતો વિજય થયો હતો. આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ વ્હાઇટ બોલથી સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે, અને જામનગરની ક્રિકેટ પ્રેમી જનતા આ ટૂર્નામેન્ટનો આનંદ મેળવી રહી છે. તેમજ જામનગરમાં પણ હાલ મિની આઈપીએલ જેવો ક્રિકેટ ફીવર છવાયો છે.
મેયર કપ ને સફળ બનાવવા માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર તેમજ મેયર સહિતના પદાધિકારીઓ અને કર્મચારીઓ ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે. ટુર્નામેન્ટની પુર્ણાહુતી સમયે સંભવત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.