ટી-20 વર્લ્ડ કપ: પેટ કમિન્સે સતત બીજી મેચમાં હેટ્રીક નોંધાવી રચ્યો ઈતિહાસ
Live TV
-
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સ્ટાર બોલર પેટ કમિન્સે અફઘાનિસ્તાન સામેના સુપર આઠ મુકાબલામાં ઈતિહાસ રચ્યો છે. કમિન્સે ટી-20 વર્લ્ડ કપમાં તેની બીજી હેટ્રીક બનાવી છે. આ હેટ્રીક સાથે કમિન્સ ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટના ઈતિહાસમાં બે હેટ્રીક લેનારા પ્રથમ બોલર બન્યા છે.
ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેના ટી-20 વર્લ્ડ કપ મુકાબલામાં ઓસ્ટ્રેલિયન બોલર પેટ કમિન્સે રાશિદ ખાન, કરીમ જન્નત અને ગુલબદીન નૈબને આઉટ કરી ટી-20 વિશ્વકપમાં તેની બીજી હેટ્રીક નોંધાવી છે. કમિન્સે 18મી ઓવરના છેલ્લા દડામાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાનને આઉટ કર્યો. છેલ્લી ઓવરમાં ફરીથી કમિન્સને બોલિંગ આપવામાં આવી અને કમિન્સે ઉપરાઉપરી બે બોલમાં કરીમ જન્નત અને ગુલબદીન નૈબને આઉટ કરી દીધા. આ સાથે જ કમિન્સે સતત તેની બીજી હેટ્રીક નોંધાવી દીધી. ગુલબદીનને આઉટ કરતાની સાથે જ કમિન્સ ઓસ્ટ્રેલિયા માટે ટી-20 વર્લ્ડ કપમાં બે વખત હેટ્રીક નોંધાવનારા તેમજ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં હેટ્રીક મેળવનારા પહેલા ખેલાડી બની ગયા છે.
મેચની વાત કરીએ તો મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ પર 148 રન કર્યા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે 19.2 ઓવરમાં 127 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી અને 21 રનથી આ મુકાબલો ઓસ્ટ્રેલિયા હારી ગયુ હતુ. આ રીતે આંતરરાષ્ટ્રીય મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ.
