ટોક્યો પેરાલિમ્પિક્સના ભારતીય ચંદ્રક વિજેતાઓનું નવી દિલ્હીમાં જાહેર સન્માન
Live TV
-
ટોક્યો પેરાલિમ્પિક્સના ભારતીય ચંદ્રક વિજેતાઓનું આજે સાંજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં જાહેર સન્માન કરવામાં આવ્યું. યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર, રાજ્ય મંત્રી નિશિથ પ્રામાણિક અને કાયદા મંત્રી કિરેન રિજિજુએ તમામ ચંદ્રક વિજેતાઓને સન્માનિત કર્યા હતા. તાજેતરમાં સમાપ્ત થયેલા ટોક્યો પેરાલિમ્પિક્સ રમતોત્સવમાં દેશને પાંચ સુવર્ણ ચંદ્રક, આઠ રજત ચંદ્રક અને છ કાંસ્ય ચંદ્રક મળીને કુલ 19 ચંદ્રક મળ્યા હતા.
આ પ્રસંગે બોલતાં અનુરાગ ઠાકુરે કહ્યું કે, ભારતીય ખેલાડીઓની ટુકડીએ 19 ચંદ્રક જીતીને દેશને ગૌરવ વધાર્યું છે અને દેશ માટે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે કહ્યું કે, 2016 પેરાલિમ્પિક્સમાં, 19 ખેલાડીઓની ભારતીય ટુકડી મોકલવામાં આવી હતી, જયારે આ વખતે 54 ખેલાડીઓની ટુકડીએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લીધો અને તેમના અદભૂત પ્રદર્શનથી 19 ચંદ્રક લાવ્યા. તેમણે કહ્યું કે, તમામ 54 રમતવીરો ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજનાનો ભાગ છે અને આ યોજના તેમના કૌશલ્યમાં સુધારો કરવામાં મદદ કરે છે. અનુરાગ ઠાકુરે દેશના રમતવીરોને ખાતરી આપી હતી કે ભારત સરકાર ભવિષ્યમાં રમતગમત સ્પર્ધાઓમાં વધુ ચંદ્રક લાવવા માટે સહાય પૂરી પાડવામાં કોઈ કસર નહીં છોડે.
