ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડે ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની કરી જાહેરાત
Live TV
-
ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડે આગામી ટી-20 વર્લ્ડ કપ માટે 15 ખેલાડીની ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટી-20 વર્લ્ડ કપમાં ભારતનાં પૂર્વ કેપ્ટન એમ.એસ ધોની ભારતીય ટીમનુ માર્ગદર્શન કરશે. આ ટીમમાં વિરાટ કોહલી કેપ્ટન રહેશે, જ્યારે રોહિત શર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ટીમનાં અન્ય ખેલાડીઓમાં કે.એલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાંન કિસન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહલ, આર. અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસ્પ્રીત બુમરાહ, મોહમદ શમી અને ભુવનેશ્વર કુમાર સામેલ છે.
ટીમમાં સામેલ 7 ખેલાડી પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. જેમાં કેએલ રાહુલ સિવાય, વિકેટકીપર ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ સામેલ છે. ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમ વિશ્વકપ, ટી20 વિશ્વકપ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચુકી છે. ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટન છે. હવે ટી20 વિશ્વકપમાં ધોનીના અનુભવનો ફાયદો ટીમ ઈન્ડિયાને મળશે.
ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની સાથે ભારતને સુપર 12નું ગ્રૂપ-2 સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રૂપ-1માં ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. દરેક જૂથની બે ટીમો ક્વોલિફાઇંગ રાઉન્ડથી આ બંને જૂથોમાં જોડાશે. વિશ્વકપની મેચ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન યૂએઈ અને ઓમાનમાં રમાશે.
