પેરાલિમ્પિકમાં 3 સુવર્ણ, 7 રજત અને 5 કાંસ્ય ચંદ્રક, કુલ મળીને 15 ચંદ્રક ભારતને નામ
Live TV
-
ટોકિયો પેરાલિમ્પિકમાં ભારત સારો દેખાવ કરી રહ્યું છે. ભારત અત્યાર સુધીમાં ત્રણ સુવર્ણ, સાત રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક મળીને કુલ 15 ચંદ્રક જીતી ચૂક્યું છે. ગઈકાલે ભારતે ત્રણ ચંદ્રકો મેળવ્યા બાદ 50 મીટર એર પિસ્ટલમાં નિશાનેબાજ મનીષ નરવાલે 209 અંક મેળવીને સુવર્ણ ચંદ્રક જીતી લીધો હતો. આ જ સ્પર્ધામાં સિંહરાજ અધાનાએ રજત ચંદ્રક મેળવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વિટ કરીને બંનેને અભિનંદન આપ્યા હતા.
બેડમિંટન ખેલાડી પ્રમોદ ભગતે પણ પુરૂષ સિંગલ્સ એસ.એલ. થ્રી વર્ગની સેમિફાઇનલ મેચમાં જાપાનના ખેલાડીને પરાજીત કરીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. તેને લીધે ભારતને પેરા-લિમ્પિકમાં એક વધુ ચંદ્રક મળશે તે નક્કી થઇ ગયું છે. પ્રમોદ પોતાની ફાઇનલ મેચ આજે જ રમશે. બેડમિન્ટન S.L .- 4 કક્ષામાં સુહાસ યતીરાજ ફાઈનલમાં પહોંચી ચૂક્યા છે. તેઓ રવિવારે પોતાની ફાઈનલ રમશે. આ બંને ખેલાડીઓ બેડમિન્ટનમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવે તેવી આશા બનેલી છે. આ દરમિયાન બેડમિન્ટન ખેલાડી કૃષ્ણા નાગર પણ ગ્રેટ બ્રિટનના ખેલાડીને હરાવીને ફાઈનલમાં પહોંચી ચુક્યા છે. આ સાથે ભારતને એક વધુ ચંદ્રક મળશે, તે નક્કી થઈ ગયું છે
