ફૂટબૉલ- ચેમ્પિયન્સ લીગમાં રોનાલ્ડોના ગૉલના મદદરૂપે મેન્ચેસ્ટર યુનાઇટેડની જીત
Live TV
-
ફૂટબૉલાં યુએફા ચેમ્પિયન્સ લીગમાં આજે 6 મુકાબલા રમાયા હતા જેમાં એક મેચ ડ્રો રહી હતી અને અન્ય પાંચ મેચમાં યજમાન ટીમને જીત મળી હતી. વિશ્વના પ્રતિષ્ઠિત ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પણ મેન્ચેસ્ટર યુનાઇટેડ તરફથી મેદાન પર જોવા મળ્યા હતા. રોનાલ્ડોએ 95મી મીનિટમાં ગૉલ કરી મેન્ચેસ્ટર યુનાઇટેડને વીલારીયલ સામે 2-1 થી જીત પ્રાપ્ત કરાવી હતી. ગ્રુપ એફમાં મેન્ચેસ્ટર યુનાઇટેડ હવે ત્રીજા સ્થાન પર છે. ગ્રુપ જી ના મુકાબલામાં વુલ્ફઝબર્ગ અને સેવિયાની મેચ 1-1થી બરાબર રહી હતી તો ગ્રુપ જી ની અન્ય એક મેચમાં આર બી સાલ્સબર્ગે 2-1થી લીલે સામે જીત મેળવી હતી. 2020ની ચેમ્પિયન્સ લીગ વિજેતા બાયર્ન મ્યુનિકે ડાયનામો ક્યિવ સામે 5-0 થી શાનદાર જીત મેળવી હતી. બાયર્ન હવે ગ્રુપ ઇ માં ટોચ સ્થાન પર છે. ગ્રુપ ઇ ના અન્ય મુકાબલામાં બેનફિકાએ ચાર વખતની ચેમ્પિયન્સ લીગ વિજેતા બાર્સેલોનાને 3-0થી હરાવી હતી. આ હાર પછી બાર્સેલોનાના મેનેજર પર તેના નેતૃત્વને લઇને પ્રશ્નો ઉભા થયા છે.
ગ્રુપ એચ ના એક મહત્વપૂર્ણ અને ખૂબ ચર્ચિત મુકાબલામાં હાલની ચેમ્પિયન્સ લીગની વિજેતા ચેલ્સીને ઇટાલીના ફૂટબૉલ ક્લબ યુવેન્ટસ સામે 1-0 થી હારનો સામનો કરવો પડયો હતો. યુવેન્ટસ તરફથી ફેડેરિકો ચીએસાએ બીજા હાફની પહેલી જ મીનિટમાં ગૉલ કર્યો હતો. ચેલ્સી જે આ સિઝનની શરૂઆતમાં સારૂં પ્રદર્શન કરી રહી હતી તેને એક સપ્તાહની અંદર બીજી હારનો સામનો કરવો પડયો હતો. અગાઉ શનિવારે ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં ચેલ્સીની માન્ચેસ્ટર સીટી સામે 1-0થી હાર થઇ હતી.
