ફ્રેન્ચ ઓપન 2021: જોકોવિચ અને સિત્સિપાસ વચ્ચે ખિતાબી ટક્કર
Live TV
-
સર્બિયાના નોવાક જોકોવિચ અને ગ્રીસના સ્ટેફાનોસ સિત્સિપાસ વચ્ચે ફ્રેન્ચ ઓપન 2021 પુરૂષ સિંગલ્સ ફાઇનલ મેચ
ફ્રેન્ચ ઓપન 2021 પુરૂષ સિંગલ્સ ફાઇનલમાં વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચની મેચ વિશ્વના પાંચમાં ક્રમાંકિત ખેલાડી ગ્રીસના સ્ટેફાનોસ સિત્સિપાસ સામે થશે. શુક્રવારે રમાયેલી સેમિફાઇનલમાં સિત્સિપાસે જર્મનીના ઝવેરેવને પાંચ સેટના સંઘર્ષપૂર્ણ મુકાબલામાં જ્યારે જોકોવિચે 13 વખતના ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન સ્પેનના રાફેલ નડાલને 4 સેટના મુકાબલામાં હાર આપી હતી.
નોવાક જોકોવિચ અને સ્ટેફાનોસ સિત્સિપાસના રેકાર્ડ પર ધ્યાન આપીએ તો જોકોવિચ અને સિત્સિપાસની ટક્કર અયાર સુધી 7 વખત થઇ છે જેમાં જોકોવિચને 5 વખત જીત મળી છે. ગ્રાન્ડ સ્લેમ રેકોર્ડની વાત કરીએ તો 18 ગ્રાન્ડ સ્લેમ વિજેતા નોવાક જોકોવિચ આજે તેની 29મી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ રમવા ઉતરશે તો સિત્સિપાસ તેની કારકિર્દીની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં ભાગ લેશે. ટેનિસના ટૂર સ્તરના ખિતાબની વાત કર્યે તો નોવાક જોકોવિચ અત્યાર સુધી 83 ખિતાબ પોતાના નામે કરવામાં સફળ રહ્યો છે તો સિત્સિપાસને 7 ખિતાબ જીતવામાં સફળતા મળી છે.
સ્ટેફાનોસ સિત્સિપાસ જો આજે ફાઇનલમાં જીત મેળવે તો તે ટેનિસ ગ્રાન્ડ સ્લેમ જીતવાની સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રથમ ગ્રીક ખેલાડી બનશે જ્યારે નોવાક જોકોવિચની વાત કરીયે તો ફ્રેન્ચ ઓપનની જીત સાથે તે રોય એમેરસન અને રોડ લેવર પછીનો ત્રીજો ખેલાડી બની જશે કે જેણે ચાર ગ્રાન્ડ સ્લેમમાંથી દરેક ગ્રાન્ડ સ્લેમમાં બે કે વધુ વખત જીત મેળવી હોય. નોવાક જોકોવિચે તેની કારકિર્દીનું પ્રથમ ફ્રેન્ચ ઓપન 2016માં જીત્યું હતું. અત્યાર સુધી જોકોવિચ 9 વખત ઓસ્ટ્રેલિયન ઓપન, 5 વખત વિમ્બલ્ડન અને 3 વખત યુએસ ઓપનના ખિતાબ જીતવામાં સફળ રહ્યો છે. 2021ની ફ્રેન્ચ ઓપન ફાઇનલ જીતવા સર્બિયાનો નોવાક જોકોવિચ પ્રબળ દાવેદાર મનાય છે. ભારતીય સમય પ્રમાણે આ મેચ સાંજે 6:30 વાગ્યે રમાશે અને આ મેચનું જીવંત પ્રસારણ ડીડી સ્પોર્ટસ પર કરવામાં આવશે.
