રવિવારે રમાનાર ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં સ્ટેફાનોસ અને જોકોવિચ આમને સામને
Live TV
-
ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં પ્રવેશ મેળવવાવાળો સિત્સિપાસ રફેલ નડાલ બાદ ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં પ્રવેશનારો સૌથી યુવા ખેલાડી તેમજ ટેનિસની મેજર ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશનારો ગ્રીસનો સૌપ્રથમ ખેલાડી બન્યો
ગઈકાલે ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની પ્રથમ સેમિ-ફાઇનલમાં ગ્રીસના ખેલાડી સ્ટેફાનોસ સિત્સિપાસે પાંચ સેટના મેરેથોન સંઘર્ષ બાદ જર્મનીના ખેલાડી એલેક્ઝાન્ડર ઝ્વેરેવને હરાવીને ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ્સની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. 22 વર્ષીય સિત્સાપાસે આ જીત સાથે જ તેની કારકિર્દીમાં પ્રથમ વખત ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટની ફાઈનલમા પ્રવેશ મેળવવામાં સફળતા હાંસલ કરી છે. ત્યારે ગઈકાલે જ રમાયેલી બીજી સેમિ-ફાઇનલમાં સ્પેનિસ ખેલાડી રફેલ નડાલ અને સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચ વચ્ચે રમાઈ હતી. જેમાં નોવાક જોકોવિચે ચાર સેટ લાંબા સંઘર્ષ બાદ રફેલ નડાલને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે રવિવારે રમાનારી મેન્સ સિંગલ્સની ફાઈનલમાં સિત્સિપાસનો મુકાબલો વિશ્વના નંબર વન રેન્કિંગ ધરાવતા સર્બિયન ખેલાડી જોકોવિચ સામે થશે.
મહત્વનું છે કે, પેરિસમાં રેડ ક્લે કોર્ટ પર ચાલી રહેલી ફ્રેન્ચ ઓપન ચેમ્પિયનશિપની પ્રથમ ફાઈનલમાં નવી જનરેશનના બે ખેલાડીઓ સ્ટેફાનોસ સિત્સિપાસ અને એલેક્ઝાન્ડર ઝ્વેરેવ વચ્ચેનો મુકાબલો ત્રણ કલાક અને 37 મિનિટ સુધી ચાલ્યો હતો. જેમાં સિત્સિપાસે જીત મેળવતાની સાથે જ તેની કારકિર્દીની પ્રથમ તેમજ ટેનિસની મેજર ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશનારો ગ્રીસનો સૌપ્રથમ ખેલાડી બની ગયો છે. ફાઈનલમા પ્રવેશવાની સાથે સિત્સિપાસે વર્લ્ડ રેન્કિંગમાં ચોથો ક્રમ નિશ્ચિત કરી લીધો છે. હવે રવિવારે રમાનારી ફાઈનલમાં જો સિત્સિપાસને જીત મળશે, તો તે વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી જશે. માત્ર 22 વર્ષની ઉંમરે ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં પ્રવેશવાવાળો સિત્સિપાસ રફેલ નડાલ બાદ ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં પ્રવેશનારો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
