ભારતે ઓલિમ્પિકના 121 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ કર્યોઃ એક સુવર્ણ, બે રજતચંદ્રક અને ચાર કાંસ્ય પદક મેળવ્યા
Live TV
-
ભારતે ઓલિમ્પિકના 121 વર્ષના ઇતિહાસમાં ટોકિયો ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. ભારતે ટોકિયો ઓલિમ્પિકમાં એક સુવર્ણપદક , બે રજતચંદ્રક અને ચાર કાંસ્ય પદકો સાથે કુલ સાત ચંદ્રક મેળવ્યા છે. આ પહેલાં વર્ષ 2012માં લંડનમાં યોજાયેલા ઓલિમ્પિકમાં ભારતે બે રજત અને ચાર કાંસ્યપદક મળીને કુલ છ ચંદ્રક જીત્યા હતા. નીરજ ચોપરાએ ગઇકાલે ઇતિહાસ રચતાં ટોકિયો ઓલિમ્પિકમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. આ પહેલાં પહેલવાન બજરંગ પુનિયાએ પણ કુસ્તીમાં બ્રોન્ઝ જીત્યો હતો. ટોકિયો એલિમ્પિકમાં સૌ પ્રથમ મહિલા વેઇટ લિફ્ટર મીરાબાઇ ચાનૂએ ભારતને રજત પદક જીતીને ભારતનું ખાતુ ખોલ્યું હતું. પહેલવાન રવિ દહિયાએ 57 કીલો ભારવર્ગમાં ભારતને બીજો રજત ચંદ્રક અપાવ્યો હતો. તે પછી ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી પી.વી.સિંધુએ ભારત માટે કાંસ્યપદક જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. ઓલિમ્પિકમાં સતત બે ચંદ્રક મેળવનારી તે પહેલી બેડમિંટન ખેલાડી છે. બોક્સિગમાં ભારતની લવલિનાએ ભારતને કાંસ્ય પદક અપાવ્યો હતો. ભારતીય હોકી ટીમે શાનદાર દેખાવ કરતાં જર્મનીને હરાવીને કાંસ્ય પદક મેળવ્યો હતો. ભારતે 41 વર્ષ પછી ઓલિમ્પિકમાં હોકી સ્પર્ધામાં મેડલ જીત્યો છે. ભારતના જેવિલિન થ્રોઅર નિરજ ચોપરાએ ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ સર્જ્યો છે. નીરજે 87. 58 મીટરના અંતરે થ્રો કરીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. વર્ષ 2008ના બેઇજિંગ ઓલિમ્પિક પછી ભારતે આ પહેલીવાર સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ રાહે એથલેટિક્સમાં ભારતે પ્રથમ સુવર્ણ ચંદ્રક મેળવી લીધો હતો. નિરજે આ ચંદ્રક મિલ્ખાસિંહને અર્પણ કર્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ખેલકૂદ મંત્રી અનુરાગ ઠાકુરે નીરજ ચોપરાના વિજયને વધાવી લીધો હતો. હરિયાણા સરકારે પણ નીરજ ચોપરાને ઇનામ આપવાની જાહેરાત કરી છે.
