શૂન્યમાંથી શિખર સર કરવા જઈ રહેલા ક્રિકેટર ચેતન સાકરિયાનું સન્માન કરવામાં આવ્યું
Live TV
-
ઇન્ડિયાની સૌથી મોટી ક્રિકેટ શ્રેણી IPLમાં રાજસ્થાન રોયલમાં રૂપિયા એક કરોડ વીસ લાખમાં સિલેક્ટ થયેલા અને ભાવનગરના વરતેજ ગામના વતની ચેતન સાકરિયાનું સન્માન કરવામાં આવ્યું
આગામી એપ્રિલ માસથી પ્રારંભ થવા જઈ રહેલી ઇન્ડિયાની સૌથી મોટી ક્રિકેટ શ્રેણી IPLમાં ભાવનગરના ભરુચા ક્લબમાંથી પોતાની ક્રિકેટની કારકીર્દી શરૂ કરનાર ક્રિકેટર ચેતન સાંકરિયાએ સ્થાન મેળવ્યું છે. ચેતન સાકરિયા ભાવનગરના નાના એવા વરતેજ ગામનો વતની છે તેમજ વર્ષ 2021ની IPL માટે રૂપિયા એક કરોડ અને વીસ લાખમાં રાજસ્થાન રોયલની ટીમમાં સિલેક્ટ થયો છે. જેના સિલેકશનથી માત્ર વરતેજ કે ભાવનગર નહિ પણ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે ત્યારે ભાવનગરના ભાવસિંહજી ક્રિકેટ ક્લબ ખાતે જ્યાં ચેતન સાંકરિયાએ ટ્રેનીંગ મેળવી હતી ત્યાં ભરુચા ક્લબ દ્વારા ચેતન સાંકરિયા અને શેલ્ડન જેક્શનના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ શેલ્ડન જેક્શન હાલ કલકત્તા હોય તે ઉપસ્થિત રહ્યો ન હતો .જ્યારે બંને ખેલાડીઓને ભાવનગર અને ભાવસિંહજી ક્રિકેટ કલબ વતી મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.
ભાવનગરના નાના એવા વરતેજ ગામનો વતની ચેતન સાકરિયા ખુબજ ગરીબ પરિવાર માંથી આવે છે. જેમાં પિતા સામાન્ય મજૂરી કરી ગુજરાન ચલાવે છે . ત્યારે આવા નાના ગામના ગરીબ પરિવારના યુવાનો ને સર ભાવસિંહજી ક્રિકેટ એકેડમીના પ્રેસિડેન્ટ એન.સી રાઓલ દ્વારા તમામ પ્રકારની મદદ પુરી પાડવામાં આવી હતી તેમજ બંને ખેલાડીઓને એક ઉચાઇ સુધી પહોચડવા માં મદદરૂપ બન્યા હતા. સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબ માંથી આજે ચેતન સાકરિયા ઇન્ડિયાની સૌથી મોટી ક્રિકેટ શ્રેણી કે જે ભારત જ નહિ પૂરી દુનિયામાં ખુબ જ પ્રચલિત છે. જે શ્રેણીમાં સિલેક્ટ થઇ સ્થાન મેળવી ભાવનગર ના બંને ખેલાડીઓએ ભાવનગર નું નામ રોશન કર્યું છે ત્યારે આઇપીએલ અને આવનારા સમયમાં દેશ માટે રમી ભાવનગરનું નામ વધુ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
ભાવનગરના ભરૂચ ક્લબ ખાતે ક્રિકેટર ચેતન સાકરિયાના સન્માન સમારંભમાં મુખ્ય અધ્યક્ષ તરીકે ભાવનગર સ્ટેટના નેકનામદાર યુવરાજ જયવીર રાજસિંહ તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના જયરાજ શાહ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ભાવસિંહજી ક્રીકેટ ક્લબના પ્રમુખ એલ.સી.રાઓલ તેમજ શહેરના ઉદ્યોગપતિ, આગેવાનો અને ક્રિકેટ ખેલાડીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભવોએ ખેલાડી ચેતન સાકરિયાને આઈપીએલ સુધી પહોચવા બદલ શુભેચ્છાઓ આપી ભારતીય ક્રીકેટ ટીમમાં સ્થાન મેળવે તેવી શુભકામનાઓ પાઠવી હતી.