Women's T20 World Cup :ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું, સતત ચોથી જીત સાથે ભારત ગ્રુપમાં ટોપ પર
Live TV
-
મેલબોર્ન: ભારતે મહિલા ટી20 વિશ્વકપની ગ્રુપ મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે.ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં સતત ચોથી મેચમાં જીત મેળવી છે.આ મેચમાં ભારતે પહેલા શ્રીલંકાને 9 વિકેટ પર 113 રનના સામાન્ય સ્કોર પર રોકી લીધું હતું.શ્રીલંકા તરફથી કેપ્ટન ચમારી અટાપટ્ટુએ સર્વાધિક 33 રન બનાવ્યા હતા. ભારત તરફથી રાધા યાદવે 23 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી 14.4 ઓવરમાં જ 116 રન બનાવી લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી ઓપનર શેફાલી વર્માએ આક્રમક ઈનિંગ રમતા 47 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 17 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન હરમનપ્રીત કૌર, જેમિમાહ રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માએ 15-15 રન બનાવ્યા હતા.
ભારતીય મહિલા ટીમે ગ્રુપ મેચોમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને પરાજય આપીને 2020 ટી20 વિશ્વકપ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય છે. ભારતીય ટીમે પ્રથમ ત્રણેય મેચ જીતીને પહેલેથી સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.બીજી બાજુ શ્રીલંકા સેમિફાઇનલની રેસમાંથી બહાર થઇ ગયું છે.
