અક્ષરધામ હુમલાનો મુખ્ય આરોપી અનંતનાગથી ઝડપાયો, ગુજરાત ATSએ કરી ધરપકડ
Live TV
-
વર્ષ 2002માં અક્ષરધામ પર થયેલા હુમલાના મુખ્ય સુત્રધાર આતંકીની ગુજરાત ATSએ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાંથી ધરપકડ કરી છે. હુમલા બાદ આંતકી પાકિસ્તાનમાં છુપાયો હતો અને ગુજરાતમાં હથિયાર ઘુસાડ્યા હતા.
ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે આતંકવાદને નાથવા માટે રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સ નીતી અખત્યાર કરી છે. ત્યારે રાજ્યમાં આતંકવાદ હુમલા ન થાય તે માટે પણ સરકાર સતર્ક છે. રાજ્ય સરકારની દ્રઢ રાજકીય ઇચ્છા શક્તિના પરીણામે સીમાથી ઘુસવાનો પ્રયાસ થઇ શકતા નથી એટલે જ આતંકી હુમલા રોકવામાં સફળતા મળી છે. વર્ષ ૨૦૦૨માં અક્ષરધામ ગાંધીનગર પર થયેલ આતંકવાદી હુમલાના મુખ્ય કાવત્રાખોરને ગુજરાત એ.ટી.એસ. દ્વારા જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેને આજે સાંજે ગુજરાત લવાશે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. રાજ્યના આ જાબાઝ એ.ટી.એસ.ના અધિકારીઓને મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ તેમની કામગીરીને બીરદાવી અભિનંદન પાઠવ્યા છે. અને ભવિષ્યમાં પણ આવી કામગીરી કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ગૃહરાજ્ય પ્રધાન જાડેજાએ ઉમેર્યું કે ગુજરાતના પનોતાપુત્ર – તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આતંકવાદને નાથવા માટે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યું હતું. જેના પરિણામે આજે ગુજરાત પર કોઇ ઉંચી આંખ કરીને જોઇ શકતું નથી. રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતેના અક્ષરધામ ખાતે વર્ષ ૨૦૦૨માં આતંકીઓએ હુમલો કર્યો હતો અને મંદિરમાં પ્રવેશીને ભાવિક ભક્તોને બાનમાં લીધા હતા તે સમયે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિ અને દ્રઢ રાજકીય ઇચ્છા શક્તિ અને સમય સૂચકતાના પરીણામે કેન્દ્રિય સહાય મળી અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે બચાવ ઓપરેશન હાથ ધરાયું અને મોટી જાનહાની રોકી શકાઇ હતી. આ આતંકી હુમલામાં સામેલ તમામ લોકોને સજા મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિતભાઇ શાહે પણ પુરેપુરો સહયોગ આપીને રસ દાખવ્યો છે જેના પરીણામે આ સફળતા મળી છે. આ સમગ્ર કામગીરી માટે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી પણ સતત મોનીટરીંગ કરી રહ્યા છે.
જાડેજાએ સમગ્ર કેસની ટૂંકી વિગતો આપતા કહ્યું કે તા. ૨૪.૦૯.૨૦૦૨ ના રોજ સાંજના આશરે ૦૪:૩૦ વાગે, એ.કે.-47 રાયફલ અને હેન્ડ ગ્રેનેડ વિગેરે સાથે બે ઇસમો ગાંધીનગર, ગુજરાત ખાતે આવેલ પ્રખ્યાત અક્ષરધામ સ્વામીનારાયણ મંદિરમાં ઘુસી જઇ દર્શનાર્થીઓ તથા રાઇડ્સમાં બેસેલ બાળકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરેલ અને હેન્ડ ગ્રેનેડ નાખવાનું ચાલુ કરી દીધું હતું. જે સંદર્ભે નેશનલ સીક્યુરીટી ગાર્ડ (એન.એસ.જી) કમાન્ડોને નવી દિલ્હી થી બોલાવાયા હતા. અને એન.એસ.જી દ્વારા કરવામાં આવેલ ઓપરેશનમાં થયેલ ઇજાઓના કારણે બન્ને વ્યક્તિઓના મોત થયા હતા. આ હુમલામાં, એન.એસ.જી કમાન્ડો, સ્ટેટ કમાન્ડો ફોર્સના જવાન અને ત્રણ એસ.આર.પી.ના જવાનો સહિત કુલ ૩૩ વ્યક્તિઓએ પણ જાન ગુમાવ્યા હતા. આ હુમલામાં ૨૩ પોલીસ જવાનો સહિત લગભગ ૮૬ જેટલા વ્યક્તિઓ ગંભીરરૂપે ઇજાગ્રસ્ત થયા હતા.
જાડેજાએ ઉમેર્યું કે આ યાસીન ભાટ કશ્મીરના અનંતનાગ ખાતે મંઝૂર, કામીલ અને ઝૂબેર સહિતના LeT આતંકવાદીઓ સાથે મળીને ગુજરાતમાં આતંકી હુમલાનું કાવતરૂ રચી LeT આતંકવાદીઓ દ્વારા અક્ષરધામ મંદિર પર હુમલો કરાવ્યો હતો. યાસીન ભાટ જમ્મુ અને કાશ્મીર પાસીંગ એમ્બેસેડર કારમાં કેવિટી (ગુપ્ત ખાનુ) બનાવડાવેલ અને તેમાં એ.કે.- 47 તથા અન્ય હથિયારોનો જથ્થો તેમાં મૂકી આ એમ્બેસેડરને ચાંદખાન મારફતે બરેલી, ઉત્તર પ્રદેશ ખાતે પહોંચાડેલ અને અન્ય આતંકવાદીઓ સાથે ચાંદખાનની મુલાકાત કરાવેલ. ત્યારબાદ ચાંદખાન અને શકીલ ટ્રેન મારફતે AK-47 અને અન્ય હથિયારો સાથે અમદાવાદ આવેલ. અમદાવાદમાં અન્ય LeT આતંકવાદીઓ સાથે મળીને તેઓએ અક્ષરધામ હુમલાને અંજામ આપેલ. વર્ષ 2003 માં ચાંદખાન પકડાઈ જતાં યાસીન ભાટ તેને પોતાની અક્ષરધામ હુમલામાં કોઈપણ પ્રકારની સંડોવણી વિષેનો ઉલ્લેખ ન કરવા જણાવ્યું હતું અને જો તે એમ કરશે તો તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ આરોપી હુમલા પછી પી.ઓ.કે. (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર)માં નાસી ગયેલ હતો. ગુજરાત એ.ટી.એસ. આ આરોપીની શોધ-ખોળમાં હતી, અને આ દરમ્યાન જાણકારી મળતા કે આ આરોપી અનંતનાગમાં આવેલ છે. જેથી, એ.ટી.એસ. અને એસ.ઓ.જી , અમદાવાદની સયુંક્ત ટીમ અનંતનાગ રવાના થયેલ, અને અનંતનાગ પોલીસની મદદ વડે આરોપીની અટકાયત કરવામાં આવેલ છે. LeT (લશ્કર-એ-તોયબા) નો આ આતંકી મોહમ્મદ યાસીન ગુલામ મોહિઉદ્દીન ભાટ હાલ અનંતનાગ ખાતે લાકડાના વેરહાઉસમાં કામ કરતો હતો. આરોપીને અનંતનાગની નામદાર કોર્ટમાં રજુ કરી દિવસ ૬ ની ટ્રાંઝીટ રીમાન્ડ મેળવી આવતીકાલે હવાઈ માર્ગે ગુજરાત લાવવામાં આવશે.
આ કેસમાં નામદાર સેસન્સ કોર્ટ દ્વારા અમુક આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી. જે નામ. ગુજરાત હાઇકોર્ટે કાયમ રાખી હતી, તેમ તેમણે ઉમેર્યું હતું.
