Skip to main content
Settings Settings for Dark

જાણો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજના અંતિમ દિવસે શું લેવાયા નિર્ણયો ?

Live TV

X
  • વિધાનસભા ગૃહના બજેટ સત્રના અંતિમ દિવસે આજે ગૃહમાં વર્ષ 2017-18નો વાર્ષિક ઓડીટ અહેવાલ 17-18ના નાણાંકીય હિસાબો, વિનિયોગ હિસાબો રજુ કરવામાં આવ્યા

    ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજના અંતિમ દિવસે કચ્છના નલિયા દુષ્કર્મ કેસનો તપાસ પંચનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નલિયા ખાતે બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટના સંદર્ભે પોલીસ વિભાગ દ્વારા સમયની અંદર જ ફરિયાદ નોંધવામાં આવી હતી અને તાકીદે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દ્વારા નિમણૂંક કરવામાં આવેલ કમિશન દ્વારા રજૂ કરાયેલ રિપોર્ટમાં પોલીસ કે અન્ય કોઈ પણ સત્તાધિકારીઓ સામે કોઈ જ આરોપો પુરવાર થતાં નથી. તેમજ ભોગ બનનાર યુવતી તપાસ પંચ સમક્ષ હાજર નહીં થતા કમિશન નિષ્કર્ષ પર આવી શક્યું નથી.

    વિધાનસભા ગૃહના બજેટ સત્રના અંતિમ દિવસે આજે ગૃહમાં વર્ષ 2017-18નો વાર્ષિક ઓડીટ અહેવાલ 17-18ના નાણાંકીય હિસાબો, વિનિયોગ હિસાબો રજુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવેલ જસ્ટીસ નિવૃત્ત ડી.કે.ત્રિવેદી તપાસ પંચનો અહેવાલ અને જસ્ટીસ નિવૃત્ત એ.એલ.દવે તપાસ પંચનો અહેવાલ અને તેના આધારે લેવાયેલા પગલાની વિગતો ગૃહમાં રજુ કરાઈ હતી. આજે વિધાનસભા ગૃહમાં 9 વિધેયકો મંજુરી અર્થે રજુ કરાયા હતા. જેમાં પાણી-ચોરીની બાબતો , સિંચાઇ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક, સ્થાનિક સત્તામંડળ અને નગર રચના કાયદો સુધારા વિધેયક, ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક, ગુજરાત ખાનગી યુનિવર્સીટી સુધારા વિધેયક, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન ગુજરાત જમીન મહેસુલ દ્વિતિય સુધારા વિધેયક અને ગુજરાત કૃષિ યુનિવર્સીટી સુધારા વિધેયક, ગૃહમાં મંજુરી અર્થે રજુ કરાયા છે.

    રાજ્યભરની કેનાલોમાંથી ગેરકાયદેસર પાણીનો ઉપાડ, નદીમાં પાળા બાંધવા, કે કેનાલમાં ગંદુ પાણી કે કચરો ઠાલવવો , પંપથી પાણી ખેંચવું વિગેરે તમામ ગુના માટે 6 મહિનાથી દોઢ વર્ષ સુધીની જેલની રજા અને દોઢ લાખ સુધીના દંડની જોગવાઇ કરતું વિધેયક આજે વિધાનસભા ગૃહમાં બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. પાણીની ચોરી માટેના આ વિધેયક, ગુજરાત સિંચાઇ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા, ગૃહમાં, ઉર્જા મંત્રી સૌરભ પટેલે રજુ કર્યું હતું. જેમાં કેનાલમાં પાઇપ લાઇન મુકવા અને ગેર કાયદે પાણી ખેંચવા બદલ 2 વર્ષ અથવા રૂપિયા બે લાખ અથવા બંનેની જોગવાઇ કરવામાં આવી છે. કેનાલમાં કચરો કે કેમીકલ ઠાલવનારને એક વર્ષ અને રૂપિયા 50 હજાર સુધીનો દંડ, ગેર કાયદે નદીમાં પાળા બાંધવાના કેસમાં રૂપિયા 1.50 લાખનો દંડ અને દોઢ વર્ષની સજા જ્યારે એન્જીનથી પાણી ખેંચવાના મુદ્દે એન્જીનીયર અને એન્જીન જપ્ત કરવાની સત્તા આપતી જોગવાઇ પણ આ વિધેયકમાં કરવામાં આવી છે.

    રાજ્યભરના ખેડૂતોને ખેત ઓજારોના સહાયના ધોરણમાં વધારો કરવાની જાહેરાત આજે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ ગૃહમાં કરી હતી. પાવર ટીલર, પ્લાઉ, કલ્ટીવેટર, રોટા વેટર, સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ, ગ્રાઉન્ડ નટ ડીગર, થ્રેસર, ચાફ કટર જેવા ખેત ઓજારોમાં રૂપિયા 1300થી લઇને 85 હજાર સુધી એટલે કે 7 ટકાથી 567 ટકા સુધીની સબસીડી સહાયમાં વધારો જાહેર કરાયો છે. તેના માટે બજેટમાં 7 હજાર લાખની જોગવાઇ આ વર્ષના બજેટમાં કરવામાં આવી છે. કુલ 110 જેટલા વિવિધ ખેત ઓજારો પર સહાયના ધોરણમાં વધારો કરાયો છે. કુલ જાહેર અગત્યની બાબત પર કૃષિમંત્રી આર.સી.ફળદુએ નિયમ-44 હેઠળ ખેત ઓજાર સહાય વધારાની જાહેરાત કરી હતી.

    ગુજરાત સિંચાઇ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયકની ચર્ચા દરમ્યાન વિપક્ષના સભ્યોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ વિધેયક પાછુ ખેંચવાની માંગ સાથે વોક આઉટ કર્યો હતો. કોંગ્રેસે આ મુદ્દે હોબાળો મચાવતા આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારે ખેડૂતો માટે આકરા દંડ ફટકારતું બિલ લાવીને ખેડૂતોને પાણીના મુદ્દે ગુનેગાર ઠરાવવા સમાન ગણ્યા હોવાથી બિલ વિધેયક પાછું ખેંચાવુ જોઇએ. આ ઉગ્ર માંગ સાથે વિપક્ષના સભ્યોએ વોક આઉટ કર્યો હતો. જોકે વિપક્ષના દંડક અશ્વિન કોટવાલે ગૃહમાં તેમની બેઠક છોડી ન હતી. કોંગ્રેસના સભ્યોની ગેર હાજરીમાં આ વિધેયક બહુમતીથી પસાર કરાયું હતું.

    ગૃહમાં રજુ કરવામાં આવેલ ભારતના ઓડિટર જનરલ કેગના 2017-18ના અહેવાલમાં જણાવાયું છે કે રાજ્યના 19 બોર્ડ અને કોર્પોરેશને રૂપિયા 3900 કરોડની ખોટ કરી છે. જેમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ 1564 કરોડ, નર્મદા નિગમ 1075 કરોડ, ભાવનગર એનર્જી 617 કરોડ, એસ.ટી. નિગમ 264 કરોડ અને વોટર ઇન્ફ્રાસ્ટ્રકચરના 137 કરોડની ખોટનો સમાવેશ થાય છે. રાજ્યમાં 44 એકમો છે જે નફા કરતા હોવા છતાં, સરકારને ડિવિડન્ડ આપી શક્યા નથી. જોઇન્ટ સ્ટોક કંપની ભાગીદારી સરકાર દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું. તેથી 28 કંપનીમાં 32 કરોડનું રોકાણ કરાયું હતું. આ પૈકીની 3 કંપની ફડચામાં ગઇ છે. બાકીની 25 કંપનીઓએ સરકારને ડિવિડન્ડ આપવાનું યોગ્ય રાખ્યું નથી.

    સમગ્ર રાજ્યમાં ચર્ચિત નલીયાકાંડ જસ્ટીસ નિવૃત્ત એ.એલ.દવે તપાસ પંચ અહેવાલ આજે ગૃહમાં રજુ થયો હતો. તેમાં આ કેસમાં પંચ દ્વારા સ્પષ્ટ અભિપ્રાય આપવામાં આવ્યો છે કે કમીશન સમક્ષ કોઇપણ પુરાવા આવ્યા નથી. તેથી આક્ષેપ ટકતો નથી અને પાયા વિહોણા છે. આ સમગ્ર કેસમાં અનેક નામાંકિત વ્યક્તિઓની સંડોવણીના આક્ષેપો થયા હતા. પરંતુ હવે આ અહેવાલ અને પંચના રિપોર્ટ બાદ તમામને ક્લીન ચીટ મળી ગઇ છે. પંચ દ્વારા પોલીસની તપાસમાં ક્ષતિઓ રહી ગઇ હોવાની બાબતને પણ ફગાવી દેવામાં આવી છે. કમીશને સામુહીક બળાત્કારની આવી ઘટનાઓ અટકાવવા 24 ભલામણો કરી છે. જેમાં મુખ્યત્વે આવી ઘટના બાદ તુરત જ એફ.આઇ.આર. નોંધવાનું, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આવા કેસની સ્પીડી ટ્રાયલ લેવાનું, સાયન્ટીફીક ઇન્વેસ્ટીગેશન કરવાનું, મહીલા પોલીસ દળ વધારવા સાથે, અલગ ડિપોર્ટમેન્ટ બનાવવાના સુચનો કર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply