અમદાવાદના અંધજન મંડળ ખાતે દિવ્યાંગજનો માટે ડ્રાઈવ-થ્રુ રસીકરણ કેમ્પનું આયોજન
Live TV
-
રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી યોજાયેલા રસીકરણ કેમ્પમાં દિવ્યાંગોનું રજીસ્ટ્રેશન કરાયું, ખાસ દિવ્યાંગો માટેના ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન કેમ્પમાં 500 થી વધુ દિવ્યાંગોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ
કોરોના મહામારી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ રસીકરણ અભિયાન અત્યારે પૂજરોશમાં ચાલી રહ્યુ છે. તાજેતરમાં જ રાજ્યના તમામ જિલ્લાઓમાં 18 થી 44 વર્ષની વય ધરાવતા લોકો માટે રસીકરણ શરુ કર્યું હતું, જેને સારો પ્રતિભાવ મળી રહ્યો છે અને લોકો કોરોના વિરોધી રસીકરણ કરાવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ દિવ્યાંગજનોને આ રસી લેવામાં કોઈ તકલીફ ન પડે તેની પણ સરકાર દરકાર લઈ રહી છે.
જે અન્વયે અમદાવાદમાં વસ્ત્રાપુર સ્થિત અંધજન મંડળ ખાતે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી રસી માટેના એક કેમ્પનું આયોજન કરી, દિવ્યાંગોનું રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત ખાસ દિવ્યાંગો માટેના ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન કેમ્પમાં 500 થી વધુ દિવ્યાંગોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. આજે મોટી સંખ્યામાં દિવ્યાંગોએ રસી લીધી હતી. દિવ્યાંગોને રસી લેવા માટે લાઈનમાં ઉભા રહેવુ ન પડે અને સરળતાથી રજીસ્ટ્રેશન થઈ જાય તે માટે અંધજન મંડળની રજૂઆતને ધ્યાનમાં લઈ સરકાર અને અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા આ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો.
