અરવલ્લીના ખેડૂતોએ ચોમાસાના આગમન સાથે જ કરી લીધી વાવણીની તૈયારીઓ
Live TV
-
તાજેતરમાં જ રાજ્યમાં ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થયો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ સમગ્ર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આગામી 5 દિવસ દરમિયાન વરસાદ પાડવાની આગાહી કરી છે. જેને ધ્યાને લઈ અરવલ્લી જિલ્લામાં ચોમાસાનો વરસાદ પડે તે પહેલા જિલ્લાના ધનસુરા અને દોલપુર પંથકના ખેડૂતોએ પાકની વાવણી માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે. ખેડૂતોએ ખેતરના પટ તૈયાર કરવા, જમીન ખેડવી અને પાકની વાવણી પહેલા જમીનને પાણી આપવા જેવી કામગીરીનો આરંભ કરી દીધો છે.
મહત્વનું છે કે ઉપજ લીધા બાદ ખેડૂતો તેમની જમીનને ખેળીને ઉનાળા દરમિયાન તાપમાં તપવા દેતા હોય છે અને ઉનાળા બાદ ચોમાસાના આગમન પહેલા આ જમીનોને ફરીથી ખેળીને રાખતા હોય છે, જેથી ચોમાસામાં વરસાદના આગમન સાથે જ જમીનમાં જલ્દીથી ભેજ આવે. તો કેટલાક ખેડૂતોએ ડ્રીપ પધ્ધતિથી પણ પાણી આપી જમીનને વાવણી લાયક કરવાની તૈયારીઓ કરી દીધી છે. ધનસુરા અને દોલપુર પંથકમાં ખેડૂતો ચોમાસામાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરે છે અને સાથે જ ગાય - ભેંસો માટે ઘાસચારાનું પણ વાવેતર કરે છે. વરસાદના આગમનથી ખેડૂતો ફરી ખેતીની કામગીરીમાં જોડાતા ખેતરના સીમાડાઓ ધમધમી ઉઠ્યા છે.
