અમદાવાદની સોલા સિવિલ ખાતે દર્દીઓ માટે ઉભું કરાયું પુસ્તકાલય
Live TV
-
દર્દીઓને માનસિક રીતે સકારાત્મક બનાવવા તેમજ તેમની એકલતાન દૂર કરવા આ અનોખી પહેલ કરવામાં આવી છે
જીવનમાં કોઇપણ પરિસ્થિતિમાં હિંમત અને સકારાત્મક્તા માણસને માનસિક રીતે પડી ભાંગતો અટકાવે છે. આ જ રીતે કોવીડના દર્દીઓને પણ મનથી મક્કમ અને સકારાત્મક રહેવું ખૂબ જ જરૂરી બની જાય છે. કોરોના મહામારીનું સંક્રમણ વધારે ફેલાય નહિ તે માટે કોરોનાના દર્દીઓની સાથે તેમના કોઇ સગાં સંબંધીને રહેવા દેવામાં આવતા નથી, જેનાથી શારીરીક બિમારીની સાથે દર્દીએ એકલતા સાથે પણ લડવું પડે છે.
આવા સમયમાં કોરોના દર્દીને જો કોઇ મિત્ર મળી જાય તો ? આ મિત્ર કોઇ મનુષ્ય નહિં, પુસ્તક છે. કહેવાય છે કે સારું પુસ્તક મિત્રની ગરજ સારે છે. કોરોનાના દર્દીઓને આ પુસ્તકમિત્રો સાથે મેળવવાનું કામ અમદાવાદ સ્થિત સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું છે. સોલા સિવિલ ખાતે પુસ્તકોની એક લાઇબ્રેરી ઉભી કરવામાં આવી છે, જેમાં વિવિધ વિષયોના પુસ્તકોની સાથે ધાર્મિક ગ્રંથો, સ્વાસ્થ્ય સંબંધી પુસ્તકો, યોગ અને ધ્યાન, સકારાત્મક વાર્તાઓના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હોસ્પિટલ દ્વારા નિમણુંક થયેલા ક્લીનીકલ સાયકોલોજિસ્ટ અને કાઉન્સેલર દ્વારા કોરોના દર્દીની ઈચ્છા મુજબના પુસ્તકો તેમને ઉપલબ્ધ કરાવાય છે, જેથી તે જ્યાં સુધી હોસ્પિટલમાં રહે ત્યાં સુધી તેમને એકલતા ન અનુભવાય.
