અમદાવાદમાં રૂપિયા ૩૩પ કરોડના ખર્ચે નવા 7 ફલાય ઓવરબ્રીજનું થશે નિર્માણ
Live TV
-
રેલવે અંડર બ્રિજના કામો માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાળવ્યા 39 કરોડ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં સાત નવા ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે કુલ ૩૩૫ કરોડના કામો પૈકી, આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે , અમદાવાદ મહાનગરમાં ૭ નવા ઓવરબ્રિજ અને રિવરબ્રિજ બનાવવાના કામોની મંજૂરી માટે મહાપાલિકાએ મોકલેલી દરખાસ્તને અનુમોદન આપી, કુલ ૩૩પ કરોડ પૈકી આ વર્ષે ૧૦ ટકા પ્રમાણે રૂ. ૩૩.પ કરોડ મહાપાલિકાને અપાશે. અમદાવાદ મહાનગરમાં જે ૭ ફલાય ઓવર બ્રિજ માટે મુખ્યમંત્રીએ નાણાં ફાળવ્યા છે, તેમાં વિવેકાનંદનગર રિવરબ્રિજ , વાડજ જંકશન ફલાય ઓવરબ્રિજ , પલ્લવ જંકશન ફલાય ઓવરબ્રિજ , પ્રગતિનગર જંકશન ફલાય ઓવરબ્રિજ , સતાધાર જંકશન ફલાય ઓવરબ્રિજ , ઘોડાસર ફલાય ઓવરબ્રિજ તેમજ નરોડા પાટિયા જંકશન ફલાય ઓવરબ્રિજનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે અમદાવાદ મહાનગરમાં માર્ગો પરના વાહન યાતાયાતને હળવો કરવામાં આ ઓવરબ્રિજનું નિર્માણ મહત્વપૂર્ણ બની રહેશે. અમદાવાદની જેમ સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત આઠ ઓવરબ્રીજ અને રેલવે બ્રીજ બનાવવા માટેના કામો માટે કુલ રૂપિયા 390 કરોડના પ્રોજેક્ટ મંજુર કરાયા છે. તે પૈકી આ વર્ષ માટે 10 ટકા મુજબ રૂપિયા 39 કરોડની રકમ સુરત મહાનગરપાલિકાને ફાળવવાની અનુમતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી છે.
