અમરેલીમાં 1962 નંબર ડાયલ કરી વિનામૂલ્યે પશુઓની સારવાર કરી શકાશે, નવા 9 પશુવાનનું લોકાર્પણ કરાયું
Live TV
-
ગુજરાત સરકાર દ્વારા અમરેલી જિલ્લામાં નવી 9 મોબાઈલ પશુવાનનું કુંવરજી બાવળિયાના હસ્તે લોકાર્પણ કરાયું હતુ. જિલ્લામાં હવે કુલ મળીને 21 પશુવાન કાર્યરત રહેશે. અમરેલી જિલ્લા પંચાયતના પટાંગણ ખાતે પાણી પુરવઠો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના અંતર્ગત નવી 9 મોબાઇલ પશુ દવાખાનાની વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના નાગરિકોના આરોગ્યની સાથે સાથે અબોલ પશુઓના સ્વાસ્થ્યની પણ ચિંતા કરી છે. દસ ગામ દીઠ એક મોબાઇલ પશુવાનની સુવિધા માટે 1962 ડાયલ કરવાથી વિનામૂલ્યે ગામમાં ઘેર બેઠા પશુ સારવાર મળી રહેશે. માનવ સારવાર માટે જેમ 108 સુવિધા છે તે પ્રકારની આ સુવિધા પશુધનની સારવાર માટે ઉપલબ્ધ બની છે. પ્રારંભિક તબક્કામાં અમરેલી જિલ્લામાં પશુ દવાખાનાઓ પીપીપીના ધોરણે GVK-EMRI મારફતે શરૂ કરવાનું આયોજન છે. આ યોજના મારફતે નિ:શુલ્ક પશુ સારવાર સેવાઓ વર્ષના 365 દિવસ સવારે 7 થી રાત્રે 7 દરમિયાન પશુપાલકોને ગામમાં ઉપલબ્ધ થશે. આ તમામ વાહનો પશુ સારવાર માટેની જરૂરી તમામ દવા સાધન સામગ્રી અને નિષ્ણાંત પશુચિકિત્સા અધિકારી સાથે ઉપલબ્ધ રહેશે. અમરેલી જિલ્લામાં હાલ 12 મોબાઇલ પશુવાન કાર્યરત છે. અને આજરોજ નવી 9 મોબાઈલ પશુવાન શરૂ કરવામાં આવતા જિલ્લામાં કૂલ 21 મોબાઈલ પશુવાન કાર્યરત થયેલ છે. આ પ્રસંગે મંત્રી તથા મહાનુભાવોના હસ્તે કૃત્રિમ બીજદાનની ટ્રેનિગ લેનારા જિલ્લાના 10 જેટલા તાલીમાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમરેલી જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડૉ. ટી સી ભાડજાએ કર્યું હતું.
