અમરેલી જીલ્લામાં ભારે તારાજી સર્જયા બાદ બોટાદ, અમદાવાદ તરફ આગળ વધી રહેલું તાઉ તે
Live TV
-
અત્યંત તીવ્ર ચક્રાવતી સમુદ્રી વાવાઝોડું તાઉ તે સોમવારે રાત્રે મહુવા અને પોરબંદર વચ્ચે 150 કિલોમીટર પ્રતિકલાક ભારે પવનની સાથે અથડાયું હતું. જેના કારણે ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ , દીવમાં ભારે તારાજી સર્જાય હતી. ગુજરાતમાં પ્રવેશ કર્યા બાદ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને અમરેલી તરફ છે. વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ભારે નુકશાન થયું છે. જેમાં હજારો વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. તો એન.ડી.આર.એફ. ની ટીમ સતત કામગીરી કરી રહી છે અને રસ્તા પર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી કરી રહી છે. જ્યારે અનેક સ્થળોએ વીજળીના થાંભલા તુટી જતા અનેક સ્થળોએ વિજળી ગુલ થઇ હતી. રાજ્ય સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તો રાજ્યના તમામ એરપોર્ટને બંધ રાખવામાં આવ્યા છે. અને એસ ટી બસના સંખ્યાબંધ રુટને રદ કરવામાં આવ્યા છે. તો સૌરાષ્ટ્રમાં કેરીના પાકને ભારે નુકશાન થયુ છે અને લગભગ તમામ પાક નાશ પામ્યો છે અને સરકારે તમામ વિભાગના કર્મચારીઓની રજા રદ કરી છે. તો વાવાઝોડાની હાલની સ્થિતિ વાત કરીએ તો તે અમરેલી પર ત્રાટક્યું છે. જેમાં 125 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આવતા અમરેલી જીલ્લામાં પણ ભારે તારાજી સર્જી છે. બાદમાં તાઉ તે, બોટાદ, અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર, અમદાવાદ , કચ્છ , દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે.
