આજથી તમામ જિલ્લાઓમાં 18 થી 44 વયજૂથના લોકોને વિનામૂલ્યે કોરોના રસી આપવાનું શરુ
Live TV
-
તમામ જિલ્લાઓમાં 18 થી 44 વયજૂથના લોકો માટે કોરોના રસીકરણ શરુ કરવા માટે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મેળેલી કોર કમિટીનો નિર્ણય લેવાયો હતો.
રાજ્યમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ આપવા માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આજથી રાજ્યના 1200 કોરોના રસીકરણ કેન્દ્રો પરથી વિનામૂલ્યે વેક્સિન આપવાનું શરુ કરાયુ છે. જેમાં રોજ 2.25 લાખ જેટલા યુવાનોને કોરોના રસી આપવાનો લક્ષ્યાંક રખાયો છે. સાથે જ 45 વર્ષથી વધુ વયના લોકોને રોજના 75 હજાર કોરોના રસીના ડોઝ આપવામાં આવશે જેથી રાજ્યમાં રોજ 3 લાખ કોરોના રસીના ડોઝ આપીને રસીકરણની પ્રક્રિયા ઝડપી કરાશે.
18 થી 44 વયજૂથના યુવાનોએ કો-વીન સાઈટ પર રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેમને SMS દ્વારા તેમના વેક્સિનેશન માટેનું સ્થળ, સમય અને સ્લોટની જાણ કરવામાં આવશે. તે અનુસાર નિયત કરેલા કેન્દ્રો પર આવીને વિનામૂલ્યે કોરોના રસી લઈ શકશે. જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેમને જ વેક્સિન સેન્ટર પર કોરોના રસી આપવામાં આવશે.
આ પહેલાં રાજ્યના જે 10 જિલ્લાઓમાં જ્યાં કોરોના સંક્રમણ વધારે હતું ત્યાં 18 થી 44 વયજૂથના લોકોને કોરોના રસી અપાઈ રહી હતી. હવે તમામ જિલ્લાઓમાં આ વય જુથના લોકોને કોરોના રસીકરણ ચાલુ થતાં ગુજરાત સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમમાં અગ્રેસર રહેશે.
